સત્ય. સાહસ. સંકલ્પ.

ગોંડલમાં ભયાનક અકસ્માત: એક્ટિવા પર સવાર પરિવારના ત્રણ સભ્યોના મોત

ગોંડલમાં ભયાનક અકસ્માત: એક્ટિવા પર સવાર પરિવારના ત્રણ સભ્યોના મોત

ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. એક્ટિવા સ્કૂટર અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકોની ઓળખ અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (40), તેમની પત્ની શાંતુબેન અને 13 વર્ષીય પુત્ર વ્રજ તરીકે થઈ છે. પરિવાર એક્ટિવા (GJ 03 LS 5971) પર રામોદ ગામે જઈ રહ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (GJ 23 CF 0472) સાથે એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય સભ્યો રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમના પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

અકસ્માત સર્જનાર કાર એક મહિલા ચલાવી રહી હતી. કારમાં સવાર લોકો સાળંગપુર ખાતે દર્શન કરીને ગોંડલના પ્રખ્યાત અક્ષર મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

અકસ્માતની જાણ થતાં જ ગોંડલથી બે અને કોટડા સાંગાણીથી એક, કુલ ત્રણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના વતન અનિડા ગામે લઈ જવામાં આવશે.

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. બનાવની ગંભીરતા જોતાં ગોંડલ તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરી કાર ચાલક સામે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અનિડા ભાલોડી પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.