સત્ય. સાહસ. સંકલ્પ.

ગોંડલ યાર્ડમાં મરચાની હરાજી અટકી: કંતાનના વજન કાપ સામે ખેડૂતોનું ધરણું

ગોંડલ યાર્ડમાં મરચાની હરાજી અટકી: કંતાનના વજન કાપ સામે ખેડૂતોનું ધરણું

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની નવી સિઝનના પ્રારંભે જ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. મરચાની પહેલી આવકમાં વેપારીઓ દ્વારા કંતાનનું 500 ગ્રામ વજન બાદ કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, યાર્ડમાં નવી સિઝનના મરચાની આશરે 700 ભારીની પહેલી આવક થઈ હતી. હરાજી શરૂ થતાં જ વેપારીઓએ પ્રત્યેક ભારી દીઠ 500 ગ્રામ કંતાનનું વજન બાદ કરવાનું શરૂ કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે બજારમાં એક કંતાન 120 રૂપિયામાં આવે છે, ત્યારે આ રીતે વજન કાપવું અન્યાયી છે.

ખેડૂતોએ માગ કરી હતી કે કાં તો કંતાન સહિતનું પૂરેપૂરું વજન જોખવામાં આવે અથવા તો એક કંતાન દીઠ 120 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ માગણી સાથે આશરે 50 ખેડૂતોએ યાર્ડની ઓફિસ સામે ધરણું બેસીને હરાજી અટકાવી દીધી હતી અને માગણી ન સંતોષાય ત્યાં સુધી હરાજી શરૂ ન થવા દેવાની ચેતવણી આપી હતી.

પરિસ્થિતિ ઉગ્ર બનતાં ગોંડલ યાર્ડના ડિરેક્ટરો પ્રફુલ ટોળીયા, જીતુ જીવાણી, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાડા અને સેક્રેટરી તરુણ પાંચાણી સહિતના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે પણ ખેડૂતો સાથે જમીન પર બેસીને તેમની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.

યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે ખેડૂતો અને વેપારીઓની સંયુક્ત બેઠક યોજીને વજન કાપના પ્રશ્નનું વહેલી તકે ન્યાયી નિરાકરણ લાવવામાં આવશે.