ગોંડલ તાલુકાના ચરખડી ગામે અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ અણધારા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ખેતરોમાં પાણી ફરી વળતાં દિવસભરની મહેનત બાદ તૈયાર કરેલા પાકના પાથરા ભીંજાઈ ગયા છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાક નષ્ટ થવાના આરે પહોંચતાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી બાજુ, ભારે વરસાદને કારણે ચરખડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
વહીવટી તંત્ર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. અગાઉ ઓછા વરસાદ અને હવે કમોસમી વરસાદની બેવડી મારને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.