સત્ય. સાહસ. સંકલ્પ.

ગોંડલ પાસે કાર-એક્ટિવા અકસ્માત: પતિ-પત્ની અને 13 વર્ષના પુત્ર સહિત એક જ પરિવારના 3ના મોત

ગોંડલ પાસે કાર-એક્ટિવા અકસ્માત: પતિ-પત્ની અને 13 વર્ષના પુત્ર સહિત એક જ પરિવારના 3ના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પતિ, પત્ની અને તેમના 13 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, અનિડા ભાલોડી ગામના જયેશ કરશનભાઈ બગડા (40), તેમની પત્ની શાંતુબેન (36) અને પુત્ર વ્રજ (13) એક્ટિવા (GJ 03 LS 5971) પર સવાર થઈને રામોદ તરફ જઈ રહ્યા હતા. તેમની એક્ટિવા સામેથી આવી રહેલી ટાટા નેક્સોન કાર (GJ 23 CF 0472) સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય લોકો રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.

મૃતક જયેશ બગડા સેન્ટિંગનું કામ અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પુત્ર વ્રજ ગોંડલની ઓરો સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અકસ્માતમાં સંડોવાયેલી ટાટા નેક્સોન કાર એક મહિલા ચલાવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કારમાં સવાર લોકો સાળંગપુર ખાતે દર્શન કર્યા બાદ ગોંડલના અક્ષર મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવદર-રામોદ માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં ગોંડલથી બે અને કોટડા સાંગાણીથી એક એમ્બ્યુલન્સ સહિત કુલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને તેમના વતન અનિડા ભાલોડી ગામે લઈ જવામાં આવશે.

ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં અને માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ હતી. ગોંડલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા વાહનોની વિગતો મેળવી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતથી અનિડા ભાલોડી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.