સત્ય. સાહસ. સંકલ્પ.

ગોંડલમાં ટાટા નેક્સન કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રના મોત

ગોંડલમાં ટાટા નેક્સન કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ વચ્ચે શનિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 40 વર્ષીય જયેશભાઈ બગડા, તેમના 36 વર્ષીય પત્ની શાંતુબેન બગડા અને 13 વર્ષીય પુત્ર વ્રજ બગડાનો સમાવેશ થાય છે. પરિવાર પોતાના સ્વજનની ખબર કાઢવા જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત થયો હતો. માતા, પિતા અને ભાઈના અચાનક નિધનથી પરિવારની 16 વર્ષીય દીકરીએ એક જ ક્ષણમાં સમગ્ર પરિવારની છત્રછાયા ગુમાવી દીધી છે.

શનિવારે ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. સુરેન્દ્રનગરના પાટડીમાં વડગામ-પાનવા રોડ પર ઈકો કાર ટ્રક પાછળ ઘૂસી જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતાં ઝટકા મશીનના કરંટની અડફેટે આવતા તેનું પણ મોત થયું હતું. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા.

રાજકોટમાં રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. પગપાળા જઈ રહેલા વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ શરૂ કરી અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બેફામ કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર શોભાયાત્રામાં ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના આરોપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા થાર કારચાલકને અંતે કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. નંબર પ્લેટ વગરની થાર કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતો હોવાનો પણ આરોપ છે. કારેલીબાગ પોલીસે થારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.