સત્ય. સાહસ. સંકલ્પ.

વેજલપુરમાંથી ગોલ્ડી બરાર ગેંગનો શૂટર 'આરિફ પિસ્તોલ' ઝડપાયો

વેજલપુરમાંથી ગોલ્ડી બરાર ગેંગનો શૂટર 'આરિફ પિસ્તોલ' ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) અને દિલ્હી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વેજલપુર વિસ્તારમાંથી કુખ્યાત ગોલ્ડી બરાર ગેંગના મહત્ત્વના ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ કરી છે. આરિફ સામે હત્યાનો પ્રયાસ, ગેરકાયદે ફાયરિંગ અને ખંડણી વસૂલવા સહિત 11થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગત મોડી રાતે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આ હાઇ-પ્રોફાઇલ શૂટર પોલીસના સકંજામાં સપડાયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરિફ આંતરરાષ્ટ્રીય ગુનાઈત સિન્ડિકેટ માટે એક મુખ્ય ઓપરેશનલ કડી તરીકે કાર્યરત હતો. તે ગોલ્ડી બરાર વતી દુબઈથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકીભર્યા કોલ કરવા તથા મોટા પાયે ખંડણીનું રેકેટ ચલાવવામાં સક્રિય ભૂમિકા ભજવતો હતો.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે આરિફ વારંવાર રહેઠાણના સ્થળો બદલતો હતો અને પોતાની સાચી ઓળખ છુપાવીને આશ્રય લેતો હતો. તેમ છતાં, સ્પેશિયલ ટીમો દ્વારા સતત ટ્રેકિંગ કરીને તેને દબોચી લેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરિફની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તેના સાગરીતો, આશ્રયદાતાઓ અને નાણાકીય લેવડ-દેવડના નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.