અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. સાથે જ તેની ધરપકડ તરફ દોરતી માહિતી આપનારને 1 મિલિયન ડોલર સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરી છે, જે ભારતીય ચલણમાં અંદાજે 9.5 કરોડ રૂપિયા થાય છે.
એફબીઆઈએ સોમવારે આ જાહેરાત કરી. ગોલ્ડી બ્રાર સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ, ટાર્ગેટેડ હત્યા, ધમકી આપીને પૈસા વસૂલવા તથા નશીલા પદાર્થોની તસ્કરીમાં સંડોવાયેલો હોવાનું એજન્સીએ જણાવ્યું છે.
1950માં શરૂ થયેલી આ યાદીમાં ગોલ્ડી બ્રાર 543મો ભાગેડું બન્યો છે. એફબીઆઈએ ચેતવણી આપી છે કે તે હિંસક, હથિયારબંધ અને ખતરનાક છે. તે કેલિફોર્નિયા તથા કેનેડાના વિવિધ ભાગોમાં રહેતો હોવાની માહિતી મળી છે.
લોરેન્સ બિશ્નોઈ સંગઠિત ગુના જૂથ સાથે સંડોવણીના આરોપસર તેની શોધ ચાલી રહી છે. એફબીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એફબીઆઈએ સતિંદરજીત સિંહને તેની ટેન મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ્સ યાદીમાં ઉમેર્યો છે. લોરેન્સ બિશ્નોઈ સંગઠિત ગુના જૂથમાં તેની કથિત સંડોવણી માટે તેની શોધ ચાલી રહી છે. આ જૂથ દક્ષિણ કેલિફોર્નિયા તેમજ અમેરિકા અને કેનેડામાં વિવિધ હિંસક ઘટનાઓમાં સંડોવાયેલું હોવાનું કહેવાય છે. તેની ધરપકડ તરફ દોરતી માહિતી માટે 1 મિલિયન ડોલર સુધીનું ઇનામ આપવામાં આવશે."