દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મળી. જેમાં ચળકતા સોનાના બિસ્કિટના વીડિયો સાથે લખ્યું હતું: "માર્કેટ રેટ કરતા 30થી 40 ટકા ડિસ્કાઉન્ટ પર 24 કેરેટ શુદ્ધ સોનું ખરીદો. સ્વિટ્ઝર્લેન્ડની 100-100 ગ્રામની લગડી અને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી."
આ પોસ્ટ વાંચીને ટીમ ચોંકી ગઈ. લાખોના ભાવે વેચાતું સોનું જો આટલા મોટા ડિસ્કાઉન્ટ પર મળે તો સવાલ થાય. બે સવાલો ઉઠ્યા: શું ખરેખર આટલા મોટા ડિસ્કાઉન્ટ પર શુદ્ધ સોનું મળવું શક્ય છે? કે પછી ડુપ્લિકેટ માલ આપીને છેતરપિંડીનો ખેલ ચાલી રહ્યો છે?
આ કારોબારનું સત્ય બહાર લાવવા માટે ટીમે ગ્રાહક બનીને સસ્તું સોનું વેચતા સ્મગલરના નેટવર્કમાં ઘૂસવાનો પ્લાન બનાવ્યો. આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટ હોવાનો અંદાજો હતો. એટલે સૌથી જરૂરી હતું કે તેમની સામે એવી ઓળખ ઉભી કરવામાં આવે, જેથી એ લોકોને વિશ્વાસ આવે અને કાળા કારનામાના બધા પત્તા ખુલ્લા પડી જાય.
રિપોર્ટરે જામનગરમાં આવેલી ફેક્ટરીના માલિક હોવાની ઓળખ ઉભી કરી. ફેક્ટરી એક્ઝેટ કઈ જગ્યા છે? કેટલા ભાગીદાર છે? ફેક્ટરીમાં શું બને છે? માલ ક્યાં વેચાય છે? એ બધો જ પ્લોટ તૈયાર કરી લીધો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આવી જાહેરાત આપનારના નંબર પર સંપર્ક કર્યો. આગળની સ્ક્રિપ્ટ પણ તૈયાર જ હતી.
આ વાતચીતમાં ઘરમાં લગ્નપ્રસંગ હોવાનું બહાનું બનાવીને મોટા પ્રમાણમાં સોનું ખરીદવાની ઈચ્છા દર્શાવી. ત્યારબાદ ભુજમાં બેઠેલા 'અમર' નામના એજન્ટ સાથે અલગ-અલગ તબક્કે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જે ચોંકાવનારી માહિતી સામે આવી તેના પરથી લાગ્યું કે આ મોટું રેકેટ છે.
ઇન્વેસ્ટિગેશનના અંતિમ તબક્કામાં 3 કરોડ રૂપિયામાં 3 કિલો સોનાની ડીલ કરવા રિપોર્ટર, એજન્ટ અને તેમની સિન્ડેકેટના મુખ્ય સ્મગલર સાથે એક ખુફિયા જગ્યા પર રૂબરૂ મુલાકાત થઇ. જ્યાં જીવના જોખમે સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. સોનાની લગડીના થપ્પા સાથેનો બધો જ ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો.
ઇન્વેસ્ટિગેશનના પ્રથમ તબક્કામાં જામનગરના ઉદ્યોગપતિ તરીકે ઓળખ આપીને અંડરકવર રિપોર્ટરે સોનાના ભાવ અને ડિસ્કાઉન્ટ અંગે ફોન પર પૂછપરછ કરી. સામે છેડેથી ભુજથી વાત કરી રહેલા એજન્ટ અમરે સ્પષ્ટ કર્યું કે બિલ વગર માલ મળશે અને માર્કેટ રેટ પર 25% ડિસ્કાઉન્ટ અપાશે. જોકે, રિપોર્ટરે લગ્ન ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ માટે પણ 15થી 20 કિલો સોનાનો ઓર્ડર આપવાની વાત કરી, એજન્ટે ડિસ્કાઉન્ટનો આંકડો સીધો 40%એ પહોંચાડી દીધો.
એજન્ટ અમર સાથે પહેલાં ફોન કોલમાં લગભગ સાતેક મિનિટ વાત થઇ. પણ એક જ વખત ફોન પર વાત કર્યા બાદ તરત રૂબરૂ મુલાકાતથી ઘણી શંકા જાય અને જોખમ પણ હતું. એટલે વાતચીત એ પોઇન્ટ પર અટકી કે ઘરના વડીલો અને મહિલાઓને સોનું ખરીદવા બાબતે પૂછીને પછી આગળ ડીલ કરીશું.
એજન્ટને લાગ્યું કે તેને મોટો ગ્રાહક મળી ગયો છે. એટલે બે દિવસમાં ત્રણથી ચાર કોલ કરી લીધા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે મારો ફોન મોટેભાગે સ્વીચઓફ જ રહે છે. એટલે મેસેજ કરીને સમય કન્ફર્મ કરવો પછી જ આપણી વાતચીત થઇ શકશે.
આ દરમિયાન અમરે સોનાના બિસ્કિટના કેટલાક વીડિયો મોકલ્યા, જેના પર મેટાલોર લખ્યું હતું. આ સ્વિટ્ઝર્લેન્ડની વિશ્વપ્રસિદ્ધ કંપની છે, જે અત્યંત શુદ્ધ સોનાની લગડી બનાવે છે. આ બાર LBMA (લંડન બુલિયન માર્કેટ એસોસિએશન) દ્વારા પ્રમાણિત હોય છે, જેથી તેને સમગ્ર વિશ્વમાં સરળતાથી ખરીદી અને વેચી શકાય છે. અન્ય એક વીડિયોમાં કેપિટલમાં PAMP લખેલું દેખાયું. PAMP પણ સ્વિટ્ઝર્લેન્ડની કંપની છે. PAMPના સિક્કા કે બિસ્કિટ આખા વિશ્વમાં સૌથી વધુ શુદ્ધ અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
આ વીડિયો પરથી એજન્ટની વાતમાં દમ હોય એમ તો લાગ્યો. પહેલો ફોન કર્યાને ચારેક દિવસ થઈ ગયા હતા. એટલે વેપારી બનેલા રિપોર્ટરે નવી વાર્તા ઘડી અને એજન્ટ સાથે ફોન પર વાત કરી. બીજી વખતના ફોન કોલમાં રિપોર્ટરે ઘરની મહિલાઓ માટે દાગીના બનાવવાની વાત કરી.
એજન્ટે જણાવ્યું કે માલ દુબઈ-સ્વિટ્ઝર્લેન્ડથી આવે છે અને શોરૂમ નહીં પણ હિડન ઓફિસમાં ડીલ થાય છે. આ સિન્ડિકેટ સ્વિટ્ઝર્લેન્ડથી વાયા દુબઈ શીપમાં માલ ગુજરાત લાવે છે અને 24 કેરેટ લગડીની ભારતભરમાં ડિલિવરી કરે છે. આ રીતે 35% ડિસ્કાઉન્ટ પર સ્મગલર સાથે 3 કિલો સોનાનો ઓનકેમેરા સોદો થયો.