મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ. ૯૦૦ ઘટ્યા હતા, જ્યારે ચાંદી રૂ. ૧૦૦૦ સસ્તી થઈ હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ૩ ટકાનો ઘટાડો અને ડોલર સામે રૂપિયો મજબૂત થવાને કારણે આયાતી કિંમતી ધાતુઓ પર દબાણ ઘટ્યું હતું. તેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી હતી.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૧૦૦૦ ઘટીને ૯૯૫ ચોખ્ખાઈવાળું સોનું રૂ. ૧,૫૬,૭૦૦ અને ૯૯૯ ચોખ્ખાઈવાળું સોનું રૂ. ૧,૫૭,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું. અમદાવાદમાં ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. ૨,૩૫,૦૦૦ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસદીઠ ૪,૩૭૮-૪,૩૭૯ ડોલરથી ઘટીને ૪,૩૪૦ ડોલરના નીચા સ્તરે આવ્યો હતો. બાદમાં ૪,૩૮૩ ડોલરના ઊંચા સ્તરે પહોંચીને ૪,૩૬૯-૪,૩૭૦ ડોલર પર સ્થિર થયો હતો. ચાંદીનો વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૬૬.૨૫ ડોલરથી ૬૫.૭૩ ડોલર સુધી નીચે ગયા પછી ૬૭.૦૫ ડોલરના ઊંચા સ્તરે પહોંચીને ૬૬.૬૭-૬૬.૬૮ ડોલર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં થયેલી વધઘટને કારણે કિંમતી ધાતુઓમાં બંને તરફની હિલચાલ જોવા મળી હતી.
મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ રૂ. ૯૦૦ ઘટીને ૯૯૫ ચોખ્ખાઈવાળું સોનું રૂ. ૧,૫૨,૭૨૩ અને ૯૯૯ ચોખ્ખાઈવાળું સોનું રૂ. ૧,૫૩,૩૩૭ પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું. મુંબઈમાં ચાંદીનો ભાવ જીએસટી વગર રૂ. ૧૦૦૦ ઘટીને રૂ. ૨,૩૪,૯૯૨ પ્રતિ કિલો રહ્યો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ ૧૦૩.૮૭ ડોલરથી ઘટીને ૧૦૦.૨૦ ડોલર થયા બાદ ૧૦૧.૦૯ ડોલર રહ્યો હતો. યુએસ ક્રૂડનો ભાવ ૧૦૦.૩૦ ડોલરથી ૯૬.૯૨ ડોલર થયા બાદ ૯૭.૫૭ ડોલર રહ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી હોવાના સમાચાર અને સાઉદી અરેબિયાથી ક્રૂડની સપ્લાય વધ્યાના અહેવાલને કારણે તેલના ભાવ નરમ પડ્યા હતા.
વૈશ્વિક બજારમાં પ્લેટિનમનો ભાવ ઔંસદીઠ ૧૮૧૧ ડોલર રહ્યો હતો. પેલેડિયમનો ભાવ ૧૩૦૩ ડોલરથી ૧૩૦૦ ડોલર થયા બાદ ૧૩૧૭ ડોલરના ઊંચા સ્તરે પહોંચીને ૧૩૧૨-૧૩૧૩ ડોલર રહ્યો હતો. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૦ ટકા વધ્યા હતા. સ્વિસ બેન્કના સૂત્રોના જણાવ્યા અનુસાર વૈશ્વિક ચાંદીના ભાવ ૨૦૨૭ના માર્ચ સુધીમાં ૭૫ ડોલર અને ત્યારબાદ ૮૦ ડોલર સુધી પહોંચી શકે છે.