સત્ય. સાહસ. સંકલ્પ.

ચાંદીમાં જંગી ઉછાળો: બજાર ખૂલતાં જ 3870 રૂપિયા મોંઘી, સોનું પણ 1291 રૂપિયા વધ્યું

ચાંદીમાં જંગી ઉછાળો: બજાર ખૂલતાં જ 3870 રૂપિયા મોંઘી, સોનું પણ 1291 રૂપિયા વધ્યું

મિડલ ઈસ્ટમાં વધતી અસ્થિરતા અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે દેશની મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ ચાંદીમાં 3870 રૂપિયાનો જંગી ઉછાળો અને સોનામાં 1291 રૂપિયાનો મોટો વધારો નોંધાયો છે.

સોનાના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો, MCX પર ઓક્ટોબર સોનાનો અગાઉનો બંધ ભાવ 1,50,809 રૂપિયા હતો. આજે બજાર ખૂલતાં જ તેનો નવો ઓપન ભાવ 1,52,100 રૂપિયા નોંધાયો. એટલે કે બજાર ખૂલતાની સાથે જ સોનામાં 1291 રૂપિયાનો સીધો ઉછાળો આવ્યો છે.

ચાંદીમાં પણ તેજીનો મોટો ચમકારો જોવા મળ્યો છે. ડિસેમ્બરની ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,32,118 રૂપિયા હતો, જેની સામે આજે નવો ઓપન ભાવ 2,35,785 રૂપિયા ખૂલ્યો. એટલે કે ઓપનિંગમાં જ 3667 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીએ 2,35,988 રૂપિયાની ઊંચી સપાટી (High) વટાવતા અગાઉના બંધ ભાવની સરખામણીમાં મહત્તમ 3870 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાવ્યો હતો.

કિંમતી ધાતુઓમાં આવેલી આ અચાનક તેજી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે, જેની અસર ઘરેલુ બજાર પર પણ જોવા મળી રહી છે.