તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલા ઉછાળા અને સ્થાનિક સ્તરે ઉત્સવોની ખરીદી વધતાં ભારતીય વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી બંને નવી ઊંચાઈએ પહોંચ્યા છે. શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ સોનું રૂ.1,43,209 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ચાંદી રૂ.1,87,150 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.
MCX પર સોનાના વાયદા ભાવમાં દિવસ દરમિયાન રૂ.4,138ની ઉથલ-પાથલ જોવા મળી હતી. સોનું રૂ.1,39,408ના ભાવે ખૂલ્યું હતું, જે અગાઉના બંધ ભાવ રૂ.1,39,452ની સરખામણીએ સુધારો દર્શાવે છે. કારોબાર દરમિયાન સોનાએ રૂ.1,43,315નો ઊંચો અને રૂ.1,39,177નો નીચો ભાવ બનાવ્યો હતો.
ચાંદીના વાયદામાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ચાંદી રૂ.1,79,888ના સ્તરે ખુલી હતી, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ રૂ.1,79,698 હતો. દિવસ દરમિયાન ચાંદીએ રૂ.1,87,665ની ઊંચી સપાટી વટાવી હતી, જ્યારે નીચામાં ભાવ રૂ.1,77,600 સુધી ગયો હતો. આમ ચાંદીના ભાવમાં દિવસ દરમિયાન રૂ.10,065ની ઉથલ-પાથલ નોંધાઈ હતી.
રાજધાની દિલ્હીના હાજર બજારમાં પણ કિંમતી ધાતુઓની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશન અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ રૂ.4,800 વધીને તમામ ટેક્સ સહિત રૂ.1,46,600 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જે મંગળવારે રૂ.1,41,800 હતો. ચાંદીમાં પણ એક જ દિવસમાં રૂ.9,000નો ઉછાળો આવ્યો છે અને તે રૂ.1.84 લાખ પ્રતિ કિલોથી વધીને રૂ.1.93 લાખ પ્રતિ કિલો (ટેક્સ સહિત) પર પહોંચી ગઈ છે.
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલી મજબૂત રિકવરી અને ભારતીય બજારોમાં તહેવારોની ભારે માગને કારણે કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં સોનામાં તેના સર્વોચ્ચ સ્તરથી આશરે 8 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો, જેના પગલે નીચા ભાવે તહેવારોની ખરીદી નીકળતાં બજારને મજબૂત ટેકો મળ્યો છે. અગાઉ યુએસ ડૉલરની મજબૂતી અને વ્યાજદરમાં ઘટાડાની ઓછી શક્યતાઓના લીધે રોકાણકારોએ નફો વસૂલ કર્યો હતો, પરંતુ હવે તહેવારી માગે ફરીથી તેજી લાવી દીધી છે.
વૈશ્વિક બજારોમાં પણ બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પોટ ગોલ્ડ 113.72 ડૉલર એટલે કે લગભગ 3 ટકાના ઉછાળા સાથે 4,043.93 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે, જે ફરીથી 4,000 ડૉલરની મહત્વની સપાટી વટાવી ચૂક્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં પણ 4.5 ટકાની તેજી આવતાં તેનો ભાવ 52.03 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે.