સત્ય. સાહસ. સંકલ્પ.

સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો, 24 કેરેટ સોનું 1.54 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર

સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો, 24 કેરેટ સોનું 1.54 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર

સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. 19 સપ્ટેમ્બર 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1.54 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનું 1.44 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.

દિલ્હીમાં શુક્રવારે સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો થયો હતો. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવમાં પણ તેજી છે. તેની સરેરાશ કિંમત લગભગ 2,50,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. શુક્રવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં 1.25 ટકાની તેજી આવી અને ભાવ 2,41,183 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરીવાળા ચાંદીના કોન્ટ્રાક્ટનો ભાવ 27 રૂપિયાના વધારા સાથે આ સ્તરે પહોંચ્યો હતો.

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, બજાર વિશ્લેષકોએ જણાવ્યું કે સ્થાનિક બજારમાં મજબૂત વલણને કારણે ટ્રેડર્સે નવા સોદામાં ખરીદી કરી, જેથી ચાંદીના વાયદા ભાવને ટેકો મળ્યો. સામાન્ય રીતે સ્થાનિક સ્પોટ બજારમાં માંગ મજબૂત હોય ત્યારે ટ્રેડર્સ ભાવ વધવાની અપેક્ષાએ MCX જેવા એક્સચેન્જ પર નવા સોદામાં ખરીદી કરે છે. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 2.39 ટકાની તેજી સાથે 66.78 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

સોનાના ભાવને ટેકો આપતાં પરિબળોમાં મિડલ ઈસ્ટનો તણાવ, ઓઈલ રિફાઈનરી અને પાઈપલાઈન પર થયેલા તાજેતરના હુમલા તથા વૈશ્વિક ટેરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણનો સમાવેશ થાય છે. આને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે. જોખમ વધે ત્યારે રોકાણકારો પોતાની મૂડી સુરક્ષિત રાખવા સોના તરફ 'સેફ હેવન' તરીકે વળે છે, જેથી માંગ અને ભાવ વધે છે.

વૈશ્વિક બજારમાં સોનાને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો તરફથી પણ ટેકો મળી રહ્યો છે. ભારતની RBI, ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે, જેનાથી પણ ભાવને ટેકો મળે છે.