સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જે લોકો ચિંતિત છે અથવા ખરીદીનું વિચારી રહ્યા છે, તેમના માટે બજારના નિષ્ણાતોનો અંદાજ મહત્વનો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સચિવ સુરેન્દ્ર મહેતાના મતે, વર્ષ 2027ના અંત સુધીમાં સોનાની કિંમત 6,200 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 180 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આ હિસાબે ભારતમાં સોનું પ્રતિ 10 ગ્રામ 1.87 લાખ રૂપિયાને પાર કરી જશે, જ્યારે ચાંદીની કિંમત 5,45,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ શકે છે.
મહેતાનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં સોના-ચાંદી પર દબાણ રહી શકે છે, પરંતુ વૈશ્વિક બજારમાં માંગ વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને લાગે છે કે 2027ના અંત સુધીમાં સોનું લગભગ 6,200 ડૉલર અને ચાંદી 180 ડૉલરની આસપાસ પહોંચી શકે છે.” જો કે, હાલમાં બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે અને કિંમતોની દિશા ઘણા વૈશ્વિક પરિબળો પર નિર્ભર રહેશે.
તાજેતરના ઘટાડા પાછળ ક્રૂડ ઓઇલની કિંમતો અને અમેરિકામાં વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતા જવાબદાર છે. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના આગામી પગલાં અંગે સ્પષ્ટતા ન હોવાથી કિંમતી ધાતુઓ પર દબાણ રહી શકે છે. બજારની નજર ફેડરલ રિઝર્વની ડિસેમ્બરની પૉલિસી પર છે.
લાંબાગાળે સોનાની માંગ અંગે મહેતાએ સકારાત્મક સંકેતો આપ્યા છે. તેમના મતે સિંગાપોર અને હૉંગકૉંગ જેવા પ્રમુખ વૈશ્વિક બજારોમાં સોનું સંગ્રહ કરવાની ક્ષમતા વધારવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોઈ પણ બજાર ભવિષ્યમાં વેપારની અપેક્ષા વગર પોતાની સંગ્રહ ક્ષમતા વધારતું નથી.
ભાવમાં ઘટાડાનો લાભ લેવા માટે સોના-ચાંદીની ખરીદી વધી છે. IBJAના અંદાજ મુજબ ધનતેરસ અને દિવાળી દરમિયાન દેશમાં સોનાનું વેચાણ 61-62 ટનથી વધુ રહ્યું હતું, જ્યારે ચાંદીનું વેચાણ આશરે 330-340 ટન સુધી પહોંચી શકે છે. નીચા ભાવ, લગ્નની મોસમ અને એડવાન્સ બુકિંગના વધતા વલણને કારણે ખરીદીને ટેકો મળ્યો છે.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.