દેશમાં સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 25 સપ્ટેમ્બરે તેજી જોવા મળી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના આંકડા મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ₹351 વધીને ₹1.51 લાખ થયા છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવ ₹1,070 વધીને ₹2.29 લાખ પર પહોંચ્યા છે.
કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાના જણાવ્યા અનુસાર, ચીન અને ભારત સહિત દુનિયાભરની બેંકો સોનું ખરીદી રહી છે. ઉપરાંત તહેવારોની સીઝન શરૂ થઈ હોવાથી સોનાની માંગમાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં સોનાનો ભાવ વર્ષના અંત સુધીમાં ₹1.80 લાખ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી ₹3 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
આ વર્ષે સોનું ₹19,000 મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું ₹1.33 લાખ હતું, જે હાલ ₹1.51 લાખ પર છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી ₹2.30 લાખ પ્રતિ કિલો હતી, જે હવે ઘટીને ₹2.29 લાખ પર આવી છે. જોકે, આ વર્ષે 29 જાન્યુઆરીએ સોનાએ ₹1.76 લાખ અને ચાંદીએ ₹3.86 લાખની ઓલટાઇમ હાઈ બનાવી હતી.
ગોલ્ડ ETF દ્વારા ઓછી રકમમાં સોનામાં રોકાણ કરી શકાય છે. ગોલ્ડ ETF સોનાના ભાવો પર આધારિત હોય છે અને તેની ખરીદ-વેચાણ BSE અને NSE પર શેરની જેમ કરી શકાય છે. તેમાં ₹100થી પણ ઓછી રકમથી રોકાણની શરૂઆત કરી શકાય છે. રોકાણ માટે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડે છે, જેમાં ઓર્ડર આપ્યાના બે દિવસ બાદ યુનિટ તમારા ખાતામાં જમા થાય છે. જ્યારે તમે તેને વેચવાનું નક્કી કરો ત્યારે તે સમયના સોનાના ભાવ મુજબની રકમ મળે છે.