સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રૂડ ભાવ અને હુથી હુમલાને કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં સોનું ₹1500 મોંઘું

ક્રૂડ ભાવ અને હુથી હુમલાને કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં સોનું ₹1500 મોંઘું

અમેરિકામાં ક્રૂડ ઓઈલના સ્ટોકમાં ૨૦૦ લાખ બેરલનો ઘટાડો અને ઈરાન સમર્થિત હુથી જૂથ દ્વારા સાઉદી અરેબિયાની એક મોટી ઓઈલ રિફાઈનરી પર હુમલાના સમાચારથી વૈશ્વિક બજારમાં ચિંતા વધી છે. આ અસરને કારણે મુંબઈ અને અમદાવાદના ઝવેરી બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૫૦૦ વધીને ૯૯.૫ ટકા શુદ્ધ સોનું રૂ. ૧,૪૭,૨૦૦ અને ૯૯.૯ ટકા શુદ્ધ સોનું રૂ. ૧,૪૭,૫૦૦ પર પહોંચ્યું હતું. ચાંદીના ભાવ કિલો દીઠ રૂ. ૨,૦૦૦ વધીને રૂ. ૧,૯૭,૫૦૦ થયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ રૂ. ૧,૩૦૦થી રૂ. ૧,૪૦૦ વધ્યા હતા. ૯૯.૫ ટકા શુદ્ધ સોનું રૂ. ૧,૪૨,૧૩૬ અને ૯૯.૯ ટકા શુદ્ધ સોનું રૂ. ૧,૪૨,૭૦૭ પર બોલાયું હતું. ચાંદીના ભાવ રૂ. ૧,૦૦૦ વધીને રૂ. ૧,૯૩,૪૪૨ થયા હતા. જીએસટી સાથેના ભાવ આ દરથી ૩ ટકા ઊંચા રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ $૪,૦૦૯થી $૪,૦૧૦થી વધીને $૪,૦૭૦-૪૦૭૧ થયા બાદ $૪,૦૪૮-૪૦૪૯ પર સ્થિર થયા હતા. ચાંદીના ભાવ $૫૩.૩૦થી વધીને $૫૪.૫૩ થયા બાદ $૫૩.૮૩-૫૩.૮૪ પર રહ્યા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પર બજારની નજર છે, જેને કારણે સોનામાં નીચા ભાવે ફંડોની ખરીદી જોવા મળી હતી.

મુંબઈમાં પ્લેટિનમના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૬,૧૬૭ પર ખુલ્યા બાદ વધીને રૂ. ૬૧,૭૦૬ પર બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારમાં પ્લેટિનમ $૧,૫૦૮થી વધીને $૧,૫૫૦ થયા બાદ $૧,૫૪૪-૧,૫૪૫ પર રહ્યું હતું, જ્યારે પેલેડિયમ $૧,૦૨૦થી વધીને $૧,૦૪૩ થયા બાદ $૧,૦૨૫-૧,૦૨૬ પર રહ્યું હતું.

ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ $૧૧૪.૮૪થી વધીને $૧૧૬.૩૫ થયા બાદ $૧૧૫.૩૫ પર રહ્યું હતું, જ્યારે યુએસ ક્રૂડ $૧૦૨.૨૪ પર પહોંચ્યું હતું. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ૨૦૩ લાખ બેરલ ઘટ્યો છે, જેની અસર વૈશ્વિક ક્રૂડ ભાવ પર દેખાઈ છે.

મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં તેની અસર પણ ઝવેરી બજાર પર જોવા મળી હતી, જેના કારણે આયાત ખર્ચ વધ્યો છે.