સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પછી સોનું 1,504 રૂપિયા અને ચાંદી 1,413 રૂપિયા તૂટી, ભાવ ત્રણ મહિનાના નીચા સ્તરે

દિવાળી પછી સોનું 1,504 રૂપિયા અને ચાંદી 1,413 રૂપિયા તૂટી, ભાવ ત્રણ મહિનાના નીચા સ્તરે

દિવાળી બાદ વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. MCX પર સોનું 1,504 રૂપિયા ઘટીને 1,28,320 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 1,413 રૂપિયા તૂટીને 1,59,321 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયા છે. સોનાનો ભાવ 1,30,000ની નીચે અને ચાંદીનો ભાવ 1,60,000ની નીચે સરકી જવો બજાર માટે મહત્વનો સંકેત છે.

આજના કારોબારમાં સોનું તેના અગાઉના બંધ ભાવ 1,29,814 રૂપિયા સામે 1,28,320 રૂપિયાના ભાવે ખૂલ્યું હતું. સત્ર દરમિયાન સોનાએ ઉપરમાં 1,29,142 રૂપિયાનો ઊંચો અને નીચામાં 1,28,310 રૂપિયાનો નીચો સ્તર નોંધાવ્યો હતો.

ચાંદીની વાત કરીએ તો, તે તેના અગાઉના બંધ ભાવ 1,60,734 રૂપિયા સામે 1,60,325 રૂપિયાના ભાવે ખૂલી હતી. દિવસનો ઊંચો સ્તર 1,60,333 રૂપિયા રહ્યો હતો, ત્યારબાદ ભાવ ગગડીને 1,59,321 રૂપિયાના નીચા સ્તરે પહોંચ્યા હતા. સોનાની સરખામણીમાં ચાંદીમાં ઘટાડો વધુ તીવ્ર રહ્યો છે, કારણ કે ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ વધુ હોય છે અને બજારની બદલાતી ધારણાની તેના પર ઝડપી અસર થાય છે.

આ ઘટાડા પાછળ સૌથી મોટું કારણ અમેરિકાની આર્થિક નીતિમાં સંભવિત ફેરફાર માનવામાં આવે છે. અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ (US Fed) આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરી શકે તેવી શક્યતા પ્રબળ બની છે. મોંઘવારીની ચિંતા વચ્ચે CME FedWatch ટૂલ મુજબ ડિસેમ્બરમાં 0.25 ટકા વ્યાજદર વધવાની શક્યતા 95.7 ટકા અને 0.50 ટકા વધારાની શક્યતા 4.3 ટકા આંકવામાં આવી રહી છે.

ઉપરાંત, અમેરિકન ડોલરની મજબૂતી પણ કિંમતી ધાતુઓ પર દબાણ લાવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ ડોલરમાં નક્કી થાય છે. ડોલર મજબૂત થતાં ભારત સહિતના દેશોમાં તેની ખરીદી મોંઘી પડે છે, જેની માંગ પર અસર થાય છે. સાથે જ અમેરિકી સરકારી બોન્ડ પર મળતા વળતર એટલે કે બોન્ડ યીલ્ડમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણોસર રોકાણકારો સોના-ચાંદીને બદલે બોન્ડ અને અન્ય રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે.