ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના વાયદા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. રાત્રિના ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં રૂ.8,868 અને સોનામાં રૂ.2,479નો ઘટાડો થયો હતો. આ ઘટાડાની અસર શુક્રવારે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી શકે છે.
MCX પર ડિસેમ્બર 2026ના સોનાના વાયદાએ 22 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધીમાં તેના અગાઉના બંધ ભાવ રૂ.1,46,079ની સામે રૂ.1,43,600ના સ્તરે કારોબાર કર્યો હતો. દિવસ દરમિયાન સોનું રૂ.1,44,992 પર ખૂલ્યું હતું અને રૂ.1,45,120ની ઊંચી અને રૂ.1,43,040ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું 1.82 ટકા ઘટીને રૂ.4,074.37 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાંદીના ડિસેમ્બર વાયદામાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. તે રૂ.2,00,300 પર કારોબાર કરી રહી હતી, જે અગાઉના બંધ ભાવ રૂ.2,09,168થી રૂ.8,868 નીચી હતી. દિવસ દરમિયાન ચાંદી રૂ.2,06,000 પર ખૂલી હતી, જે તેનો સર્વોચ્ચ ભાવ હતો, જ્યારે નીચામાં રૂ.1,98,816 સુધી ગગડી હતી. વૈશ્વિક બજારમાં ચાંદી 4 ટકાથી વધુ ઘટીને રૂ.55.408 પ્રતિ ઔંસ પર આવી હતી.
આ ઘટાડા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર માનવામાં આવે છે:
1. કાચા તેલના ભાવમાં વધારો: હોર્મુઝ પર તણાવ વધ્યા બાદ સંઘર્ષ સાઉદી અરેબિયા સુધી પહોંચ્યો છે. લાલ સમુદ્રનો માર્ગ બંધ થવાથી સાઉદીનું તેલ બજાર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે કાચા તેલની કિંમત રૂ.112 પ્રતિ બેરલને વટાવી ગઈ છે.
2. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરની ચિંતા: બજારમાં ધારણા છે કે ઓક્ટોબરની બેઠકમાં ફેડ વ્યાજદર યથાવત્ રાખી શકે છે, પરંતુ ડિસેમ્બરમાં વ્યાજદર વધારાની શક્યતાઓ પર સટ્ટો ચાલી રહ્યો છે. મોંઘવારીના દબાણ વચ્ચે વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતાએ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ વધાર્યું છે.
3. અમેરિકી ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકાના 2 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી છે. બોન્ડ યીલ્ડ વધવાથી વ્યાજ આપતા રોકાણ વિકલ્પો વધુ આકર્ષક બન્યા છે, જેના કારણે રોકાણકારો સોના-ચાંદીમાંથી નાણાં ખેંચીને બોન્ડ તરફ વળ્યા છે.