ધનતેરસના દિવસે શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં અચાનક તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય સંકેતો અને નફારૂપી વેચવાલીને કારણે બજાર ખુલતાની સાથે જ ભાવમાં મોટો કડાકો બોલાયો હતો.
ચાંદીની વાત કરીએ તો ગુરુવારનું ક્લોઝિંગ ભાવ ₹1,87,140 પ્રતિ કિલો હતું. શુક્રવારે બજાર ₹1,85,499 પ્રતિ કિલોએ ખુલ્યું હતું, જે દિવસની સૌથી ઊંચી સપાટી પણ હતી. જોકે, વેચવાલીના દબાણમાં ચાંદી ઘટીને ₹1,83,700 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. આમ, અગાઉના બંધ ભાવની તુલનાએ ચાંદીમાં ₹3,440નો ઘટાડો થયો હતો.
સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સોનું ₹1,44,095 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. શુક્રવારે તે ₹1,42,161 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું અને ₹1,42,601 સુધી પહોંચ્યું હતું. પરંતુ પછી ઘટીને ₹1,42,101 પ્રતિ 10 ગ્રામ સુધી આવી ગયું હતું. આમ, સોનામાં ₹1,994નો ઘટાડો નોંધાયો હતો.
નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં ડોલરની સ્થિતિ અને પ્રોફિટ બુકિંગને કારણે કિંમતી ધાતુઓમાં આ નરમાઈ જોવા મળી રહી છે. આ ઘટાડાથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ ધનતેરસના અવસર પર ખરીદી કરનારાઓ માટે આ રાહતરૂપ સમાચાર પણ છે.