વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સ્થાનિક વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹2,998 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹5,823નો ઘટાડો થયો છે. અમેરિકી ડોલરની મજબૂતી અને વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા જેવા આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઘટાડા માટે જવાબદાર માનવામાં આવે છે.
માહિતી અનુસાર, સોનું તેના જૂના બંધ ભાવ ₹1,34,223 સામે આજે ઘટીને ₹1,31,622ના સ્તરે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં ₹1,31,979ની સપાટી બનાવી હતી, જ્યારે નીચામાં ₹1,31,225ના તળિયે પહોંચ્યું હતું. આમ, સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે ₹2,998નો ઘટાડો જોવા મળ્યો છે.
બીજી તરફ, ચાંદીમાં પણ સોના કરતાં વધુ તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ચાંદી તેના જૂના બંધ ભાવ ₹1,69,702 સામે આજે ₹1,67,301ના ભાવે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ બજારમાં વેચવાલી વધતા ચાંદી ગગડીને નીચામાં ₹1,63,879ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં પ્રતિ કિલોએ ₹5,823નો ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે અમેરિકાની નાણાકીય નીતિ જવાબદાર છે. અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતી, અમેરિકામાં વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારો અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે અને ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) માંથી પણ સતત ઉપાડ થઈ રહ્યો હોવાથી સોના-ચાંદીના ભાવમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.