સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું-ચાંદીના ભાવમાં સાપ્તાહિક ઘટાડો: સોનું ₹3,760 સસ્તું, ચાંદીમાં ₹10,000નો કડાકો

સોનું-ચાંદીના ભાવમાં સાપ્તાહિક ઘટાડો: સોનું ₹3,760 સસ્તું, ચાંદીમાં ₹10,000નો કડાકો

દેશમાં સોના-ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં વિવિધ શહેરોમાં ₹3,760 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનું ₹3,450 સસ્તું થયું છે. ચાંદીના ભાવમાં પણ એક સપ્તાહમાં ₹10,000નો ઘટાડો નોંધાયો છે.

18 ઓક્ટોબરની સવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,810 છે, જ્યારે મુંબઈમાં આ ભાવ ₹1,47,660 છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,47,710 અને 22 કેરેટ સોનું ₹1,35,400 પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,35,350 છે.

આંતરરિષ્ટીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ $4,165.12ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં 0.7 ટકાનો નરમાવો આવ્યો છે. શનિવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ₹400નો વધારો થયો હતો, જેનાથી સરેરાશ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,200 પર પહોંચ્યો હતો.

ચાંદીની વાત કરીએ તો 18 ઓક્ટોબરની સવાર સુધીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,30,000 છે. શનિવારે ઈન્દોરના બુલિયન માર્કેટમાં ચાંદીનો સરેરાશ ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,13,800 નોંધાયો હતો, જે અગાઉના ભાવ કરતાં ₹200 ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી પ્રતિ ઔંસ $57.05ના ભાવે ટ્રેડ થઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4 લાખની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

સરકારે 13 મે 2026થી સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન સોનાની આયાત 27.32 ટકા ઘટીને $19.27 અબજ થઈ છે, જ્યારે ચાંદીની આયાત 25.17 ટકા ઘટીને $2.4 અબજ રહી છે.

નોંધનીય છે કે સોના-ચાંદીના ભાવ પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર પડે છે. ભારતમાં લગ્ન અને શુભ પ્રસંગોમાં સોના-ચાંદીની ખરીદી સામાન્ય હોવાથી ભાવની અસર સામાન્ય લોકો પર પણ જોવા મળે છે.