ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 1લી ઓક્ટોબરની સવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,930 હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,260 રહ્યો હતો.
મુંબઈમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,580 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,110 નોંધાયો હતો. ચેન્નાઈ અને કોલકાતામાં પણ આ જ ભાવ ચાલી રહ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,630 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,160 છે.
એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં ₹700નો વધારો થયો હતો. નીચા ભાવે રોકાણકારોની ખરીદીને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવને ટેકો મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ $4,152.86 પર ટ્રેડ થઈ રહ્યું છે. સોના અને ચાંદીના ભાવ પર સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોની અસર પડે છે.
સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 1લી ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹2,39,900 થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર પ્રતિ ઔંસ $60.18 છે. આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીનો સ્થાનિક ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4 લાખની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.
ભૂરાજકીય મોરચે અમેરિકા-ઈરાન તણાવ બજારનું ધ્યાન ખેંચી રહ્યો છે. જોકે રોકાણકારો આ અઠવાડિયે અમેરિકી ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ફેડ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેત આપી શકે છે, જે સોનાના ભાવનું આગળનું વલણ નક્કી કરવામાં મદદરૂપ થશે.