કરવા ચોથના પર્વ નિમિત્તે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગ તથા વૈશ્વિક સંકેતોને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીમાં પ્રતિ કિલો રૂ.4,710 અને સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.717નો કડાકો બોલ્યો હતો.
MCX પર સોનાના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ગુરુવારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગઈકાલે 1,43,705ના સ્તરે બંધ થયેલું સોનું આજે 1,43,668ના ભાવે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન તે વધીને 1,43,920ના ઊંચા સ્તર સુધી પહોંચ્યું હતું, જ્યારે નીચામાં 1,42,839 સુધી સરકી ગયું હતું. રાત્રે 9 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, MCX પર 10 ગ્રામ સોનું 1,42,988ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આમ, ગઈકાલના બંધ ભાવની સામે સોનામાં પ્રતિ 10 ગ્રામ ચોખ્ખો રૂ.717નો ઘટાડો નોંધાયો છે.
MCX પર ચાંદીના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે પ્રતિ કિલો 1,94,325ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે 1,92,643 પર ખૂલી હતી. કારોબાર દરમિયાન તે ઉપરમાં 1,93,912 સુધી ગયા બાદ અચાનક તૂટીને 1,89,615ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. ગઈકાલના બંધ ભાવ (1,94,325)ની સરખામણીએ ચાંદીમાં પ્રતિ કિલો મહત્તમ રૂ.4,710 સુધીનો મોટો કડાકો નોંધાયો હતો, જેના કારણે ચાંદીએ રૂ.1.90 લાખનું મહત્વનું સ્તર પણ ગુમાવ્યું હતું. જોકે રાત્રે 9 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, નીચલા સ્તરેથી થોડો સુધારો થતાં ચાંદી પ્રતિ કિલો 1,90,432ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી, જે ગઈકાલના બંધ ભાવથી રૂ.3,893નો ઘટાડો દર્શાવે છે.
બજારના વિશ્લેષકો અનુસાર, આ ઘટાડા પાછળ મુખ્યત્વે ચાર પરિબળો જવાબદાર રહ્યા છે:
1. યુએસ ફેડના વ્યાજદર અંગે આશંકા: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરોને 3.75% થી 4% વચ્ચે સ્થિર રાખ્યા છે, પરંતુ બે સભ્યોએ 0.25 ટકા વધારવાનું સમર્થન કરતાં આગામી ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની આશંકા ઊભી થઈ છે, જેના કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે.
2. બોન્ડ યીલ્ડ અને ડોલરમાં મજબૂતી: રોકાણકારો અમેરિકી બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક બજારમાં મજબૂત થઈ રહેલા અમેરિકન ડોલર પર સતત નજર રાખી રહ્યા છે, જેના કારણે સોના-ચાંદીમાં નવી ખરીદી અટકી છે.
3. મોટા પાયે પ્રોફિટ બુકિંગ: તાજેતરના સમયમાં કિંમતી ધાતુઓમાં આવેલા જંગી ઉછાળા બાદ રોકાણકારોએ ઊંચા મથાળે નફો વસૂલવા માટે મોટા પાયે વેચવાલી શરૂ કરી છે, જેનાથી કિંમતો નીચે આવી છે.
4. ઔદ્યોગિક માંગ નબળી પડવાની ચિંતા: ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર એનર્જી જેવા ક્ષેત્રોમાં ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટવાની આશંકા ઊભી થતાં તેમજ બજારમાં જોખમ લેવાની ક્ષમતા ઘટવાને લીધે સોના કરતાં ચાંદી પર વધુ મોટું દબાણ જોવા મળ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને કિંમતી ધાતુઓમાં નબળાઈ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.42% ઘટીને 4,034.45 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં 2.47%નો મોટો કડાકો બોલાયો છે અને તે 52.355 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગઈ છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ભાવ ઘટવાના કારણે તરત ખરીદી કરવી યોગ્ય નથી. રોકાણકારોએ વૈશ્વિક આર્થિક સંકેતો, ડોલરની ચાલ અને ફેડના નિર્ણયો પર નજર રાખવી જોઈએ.