તહેવારોની સીઝન શરૂ થઈ છે અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2026માં અત્યાર સુધી 24 કેરેટ સોનું આશરે 14 હજાર રૂપિયા સસ્તું થયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) મુજબ, 31 ઑગસ્ટે 10 ગ્રામ સોનાની કિંમત આશરે 1.55 લાખ રૂપિયા હતી.
બીજી તરફ, ચાંદી છેલ્લા બે મહિનામાં આશરે 43 હજાર રૂપિયા અને 9 મહિનામાં કુલ 1.92 લાખ રૂપિયા સસ્તી થઈ છે. 29 જાન્યુઆરી 2026ના રોજ 3.86 લાખ રૂપિયા પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચેલી ચાંદી 23 ઑક્ટોબર 2026ના રોજ ઘટીને 1.94 લાખ રૂપિયા સુધી આવી ગઈ.
શું દિવાળી સુધી સોનું-ચાંદી વધુ સસ્તાં થશે, અત્યારે ખરીદવું કે રાહ જોવી, તે નિષ્ણાત પાસેથી જાણીશું આજના એક્સપ્લેનરમાં.
સવાલ-1: દિવાળી પહેલાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
જવાબ: સોના અને ચાંદીના ભાવ છેલ્લા 10 મહિનામાં પહેલાં વધ્યા અને પછી ઘટવા લાગ્યા છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ત્યારથી 10 મહિનામાં સોનું 34 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે.
છેલ્લા એક અઠવાડિયામાં સોનું લગભગ 4,000 રૂપિયા સસ્તું થયું છે. 17 ઑક્ટોબરે સોનાનો ભાવ 1.46 લાખ રૂપિયાથી ઘટીને 24 ઑક્ટોબરે 1.42 લાખ રૂપિયા થઈ ગયો.
31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને ત્યારબાદ ફરી ઘટીને અત્યાર સુધીમાં ચાંદી 1.92 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી લગભગ 16,503 રૂપિયા સસ્તી થઈ છે. 17 ઑક્ટોબરે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.11 લાખ રૂપિયાથી ઘટીને 24 ઑક્ટોબરે 1.94 લાખ રૂપિયા થઈ ગયો છે.
સવાલ-2: સોનાના ભાવમાં ઘટાડાનું કારણ શું છે?
જવાબ: સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જોકે આ વર્ષે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે, તેલના ભાવમાં વધારો અને અમેરિકન ફેડરલ બેંકની નીતિઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં પહેલાં ઝડપથી વધારો અને પછી ઘટાડો આવ્યો.
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આશરે 4,000 ડૉલર પ્રતિ ઔંસ છે. એક ઔંસમાં 31.1 ગ્રામ હોય છે. જ્યારે ચાંદી આશરે 54 ડૉલર પ્રતિ ઔંસ છે. જ્યારે 1 જાન્યુઆરી 2026ના રોજ સોનું આશરે 4,321 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી આશરે 71.74 ડૉલર પ્રતિ ઔંસ હતી. એટલે કે 10 મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત આશરે 7.5% અને ચાંદીની કિંમત આશરે 25% ઘટી ચૂકી છે.
આ ઘટાડાનાં 3 મોટાં કારણો છે:
1. સોનાની સરખામણીમાં બેંકોના વ્યાજથી વધુ નફાની અપેક્ષા: ઈરાન યુદ્ધ શરૂ થતા પહેલાં ઇન્ટરનેશનલ બ્રેન્ટ ક્રૂડ ઑઇલની કિંમત આશરે 70 ડૉલર પ્રતિ બેરલ હતી. ઑક્ટોબર 2026માં તે આશરે 117 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.
તેલ મોંઘું થવાથી પરિવહન અને અન્ય સામાનની કિંમત વધી જાય છે. તેનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ભય ઊભો થાય છે. સેન્ટ્રલ બેન્ક મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજદર વધારવા લાગે છે, જેથી લોકોને સસ્તી લોન ન મળે અને ખર્ચ ઓછો થાય. ઊંચા વ્યાજદરને કારણે લોકો સોના-ચાંદીના બદલે બેંકના વ્યાજ અને બૉન્ડમાં રોકાણ કરીને વધુ નફાની આશા રાખે છે.
કેનેડાના ટીડી બેંક ગ્રુપના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ રાયન મેકે કહે છે કે મધ્ય-પૂર્વમાં તણાવ વધવાથી તેલના ભાવ ફરી વધવા લાગ્યા છે. AI કંપનીઓના શેર પણ નબળા પડી રહ્યા છે. તેથી રોકાણકારો અમેરિકન ટ્રેઝરી બોન્ડ તરફ વળી રહ્યા છે. બોન્ડ પર વળતર વધવાથી સોનું નબળું પડે છે.
અમેરિકન ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બર 2026માં વ્યાજદર વધારીને 3.75%થી 4.00%ની વચ્ચે કરી દીધા છે. ઑક્ટોબરમાં પણ આ જ દરો રહેવાની અપેક્ષા છે. મોંઘા તેલને કારણે ડિસેમ્બરમાં વધુ વધારો થઈ શકે છે અથવા દરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે.
2. ડૉલરની મજબૂતીને કારણે સોનાની ખરીદી ઘટી: સોનાની કિંમત ડૉલરમાં નક્કી થાય છે, તેથી જ્યારે ડૉલર મજબૂત બને છે, ત્યારે સોનું ખરીદવું મોંઘું પડે છે અને સોનાની માગ ઘટે છે.
28 ફેબ્રુઆરીએ ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ ડૉલર ઇન્ડેક્સ 97થી લગભગ 3% વધ્યો છે, જે હાલમાં 102ની આસપાસ છે. તેના કારણે લોકોએ ડૉલર છોડીને સોનામાં રોકાણ કરવાનું ટાળ્યું.
ભારતના આયાત બિલમાં પણ સૌથી મોટો હિસ્સો સોનાનો હોય છે. ડૉલર મજબૂત થવાને કારણે ભારતમાં પણ સોનાનું આયાત બિલ મોંઘું થયું, જેના કારણે તેની માગ ઘટી અને ભાવ ઘટી ગયા.
થિંક ટેન્ક બ્રૂગેલની સિનિયર ફેલો રેબેકા ક્રિસ્ટી કહે છે, ‘ડૉલર મોંઘો થઈ જાય, તો તે રોકાણ માટે વધુ સારો વિકલ્પ બની જાય છે, જેથી સોનાની માગ ઘટે છે.’