સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલાં સોનું-ચાંદી સસ્તા: સોનું ₹563 ઘટીને ₹1.42 લાખ, ચાંદી ₹2,945 ઘટીને ₹1.90 લાખ

દિવાળી પહેલાં સોનું-ચાંદી સસ્તા: સોનું ₹563 ઘટીને ₹1.42 લાખ, ચાંદી ₹2,945 ઘટીને ₹1.90 લાખ

દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. આજે 29 ઑક્ટોબરે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹563 ઘટીને ₹1.42 લાખ થઈ ગયું છે. એક કિલો ચાંદીની કિંમત ₹2,945 ઘટીને ₹1.90 લાખ થઈ ગઈ છે.

ઑક્ટોબરમાં અત્યાર સુધીમાં સોનું આશરે ₹6,000 અને ચાંદી ₹30,000 સસ્તી થઈ ચૂકી છે. સપ્ટેમ્બરમાં સોનું ₹8,000 અને ચાંદી ₹15,000 સસ્તી થઈ હતી. 31 ઑગસ્ટે સોનું 10 ગ્રામ દીઠ ₹1.56 લાખ હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને ₹1.48 લાખ થઈ ગયું. એ જ રીતે, એક કિલો ચાંદીની કિંમત ₹2.37 લાખથી ઘટીને ₹2.22 લાખ થઈ ગઈ.

નિષ્ણાતોના મતે હાલ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે 3 વર્ષમાં પહેલી વાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જોકે અમેરિકા-ઈરાન યુદ્ધ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાને સપોર્ટ મળી શકે છે. રોકાણકારો ફરીથી સોનાને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી શકે છે.

કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોનું-ચાંદી હપ્તામાં ખરીદવું જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને બાકીનું 15-20 દિવસના અંતરે થોડું-થોડું કરીને ખરીદો. રોકાણ માટે એક-બે મહિાનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમયગાળો વિચારીને ખરીદી કરો.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે બે બાબતોનું ધ્યાન રાખો: હંમેશાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. હોલમાર્કિંગથી સોનું કેટલા કેરેટનું છે તે જાણી શકાય છે. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદી ઓળખવાની ચાર રીતો: મેગ્નેટ ટેસ્ટ – અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી, જો ચોંટી જાય તો નકલી છે. આઈસ ટેસ્ટ – ચાંદી પર બરફ મૂકો, અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે. સ્મેલ ટેસ્ટ – અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી, નકલી ચાંદીમાંથી તાંબા જેવી ગંધ આવે છે. ક્લોથ ટેસ્ટ – ચાંદીને સફેદ કપડાથી ઘસો, જો કાળો ડાઘ પડે તો તે અસલી છે.