સત્ય. સાહસ. સંકલ્પ.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: અમદાવાદમાં સોનું રૂ.૫૦૦ અને ચાંદી રૂ.૨૦૦૦ તૂટી

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: અમદાવાદમાં સોનું રૂ.૫૦૦ અને ચાંદી રૂ.૨૦૦૦ તૂટી

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૫૦૦ ઘટીને ૯૯૫ પ્યોરિટી માટે રૂ.૧૫૨,૨૦૦ અને ૯૯૯ પ્યોરિટી માટે રૂ.૧૫૨,૫૦૦ થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ કિલોના રૂ.૨૦૦૦ તૂટીને રૂ.૨૨૨,૦૦૦ થયો હતો. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૪૦૦૦ ઘટ્યા છે.

ડોલર સામે રૂપિયો મજબૂત થતાં આયાત ખર્ચ ઘટ્યો હતો, જેની સીધી અસર ઝવેરી બજારમાં થઈ. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૯૫ નજીક ચાલુ બજારે ઉતરી ગયા હતા. તહેવારો ટાણે બજારમાં ભાવ ઘટતા જોવા મળ્યા હતા, જોકે વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૬૦.૬૧ ડોલરના ઊંચા સ્તરથી ઘટીને ૫૯.૫૭ ડોલર થઈ ૬૦.૩૯થી ૬૦.૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૧૭૧ ડોલરથી વધીને ૪૨૦૦ ડોલર થઈ ૪૧૮૫થી ૪૧૮૬ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ પ્યોરિટી માટે રૂ.૪૦૦થી ૫૦૦ ઘટીને રૂ.૧૪૭,૦૨૬ અને ૯૯૯ પ્યોરિટી માટે રૂ.૧૪૭,૬૧૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦ તૂટીને રૂ.૨૧૯,૦૩૮ રહ્યા હતા.

મુંબઈ બજારમાં પ્લેટિનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦,૭૧૭થી ખુલીને રૂ.૬૦,૫૭૮ની નીચી સપાટીથી રૂ.૬૦,૭૫૩ પર બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ ૧૬૯૮ ડોલર અને પેલેડિયમના ભાવ ૧૧૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા વધ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૬.૦૬ ડોલરથી ઘટીને ૧૦૪.૩૫ ડોલર થઈ ૧૦૪.૭૯ ડોલર રહ્યા હતા. ઓપેકના સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રૂડની વૈશ્વિક માંગનો ગ્રોથ વર્ષના આરંભમાં દૈનિક ૧૪ લાખ બેરલ્સ અંદાજવામાં આવ્યો હતો, જે હવે ઘટાડીને ૪ લાખ બેરલ્સ કરવામાં આવ્યો છે.