વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ભવિષ્યમાં કઈ દિશામાં જશે, તે અંગે બે મોટા રિપોર્ટ સામસામે આવતાં રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે. એક રિપોર્ટ ભાવ ઘટવાની શક્યતા બતાવે છે, જ્યારે બીજો રિપોર્ટ નવા રેકોર્ડ સ્તરે પહોંચવાની આશા દર્શાવે છે.
રોયટર્સના અહેવાલ મુજબ, HSBC બેંકે વર્ષ 2026 માટે સોનાની સરેરાશ કિંમતનો અંદાજ ઘટાડીને 4,490 ડોલર પ્રતિ ઓન્સ કર્યો છે. વર્ષ 2027 માટે પણ અંદાજ ઘટાડીને 4,825 ડોલર પ્રતિ ઓન્સ કરવામાં આવ્યો છે. આ અંદાજ સૂચવે છે કે આગળના સમયમાં સોનાની કિંમત પર દબાણ આવી શકે છે.
આ સમયે વૈશ્વિક બજારમાં હાજર (સ્પોટ) સોનું 4,184.45 ડોલર પ્રતિ ઓન્સ પર ચાલી રહ્યું છે. આ અઠવાડિયે અત્યાર સુધીમાં ભાવ 2 ટકાથી વધુ નીચે આવ્યો છે. એક દિવસ પહેલાં હાજર સોનું 4,165.29 ડોલર પ્રતિ ઓન્સ પર હતું. ચાંદી હાલમાં 61.18 ડોલર પ્રતિ ઓન્સ પર છે.
HSBCએ ભાવ ઘટવાની શક્યતા બતાવી હોવા છતાં એક આશા પણ વ્યક્ત કરી છે. અહેવાલ મુજબ, જ્યારે કિંમતો 4,000 ડોલર પ્રતિ ઓન્સની આસપાસ કે તેનાથી નીચે જાય ત્યારે મધ્યસ્થ બેંકો (સેન્ટ્રલ બેંકો) ફરીથી સોનું ખરીદવાનું શરૂ કરે તેવી ધારણા છે. જેના કારણે ઘટાડો લાંબો સમય ટકી ન શકે.
બીજી તરફ, ધાતુ બજારના સંશોધન સંસ્થા મેટલ્સ ફોકસના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ન્યુમેન માને છે કે 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ 5,000 ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે. એવું થાય તો ચાંદી 80 ડોલર પ્રતિ ઓન્સ સુધી જઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ 2027માં ચાંદીમાં વધુ તેજીની શક્યતા છે.
સપ્ટેમ્બરના મધ્યમાં જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વુડે અંદાજ લગાવ્યો હતો કે સોનાનો ભાવ 10,000 ડોલર પ્રતિ ઓન્સ સુધી પણ પહોંચી શકે છે.
ભાવની દિશા અંગે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા અને પેરોલ ડેટા પર છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા નબળા રહેતાં ફેડરલ રિઝર્વ દ્વારા ઓક્ટોબરમાં વ્યાજદર વધારવાની શક્યતાઓ ઘટી હતી, જેથી વૈશ્વિક બજારમાં સોનામાં તેજી આવી હતી.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. આ કોઈ પણ રીતે શેર, સોના-ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ કે IPOમાં રોકાણ કે વેચાણની સલાહ નથી. બજારમાં રોકાણ જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.