વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને પગલે સ્થાનિક MCX બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાનો વાયદો ₹691 વધીને ₹1,48,180 પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદી ₹2,540 ઉછળીને ₹2,13,200 પ્રતિ કિલો પર પહોંચી છે.
બજારના તાજા આંકડા પ્રમાણે, સોનાનો વાયદો અગાઉના બંધ ભાવ ₹1,47,489 સામે ₹1,47,781ના મજબૂત મથાળે ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને તે ₹1,48,180 સુધી પહોંચ્યો.
ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,10,660 હતો, જે આજે ₹2,11,792ના મથાળે ખૂલ્યો. દિવસ દરમિયાન ખરીદદારોના ભારે આકર્ષણને કારણે ભાવ ₹2,13,200ના ઊંચા સ્તરે પહોંચ્યો.
આ ઉછાળા પાછળ આંતરરાષ્ટ્રીય બજાર અને વૈશ્વિક વેપારની બદલાતી પરિસ્થિતિ મુખ્ય કારણ મનાય છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સંકેતોને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેનો સીધો લાભ કિંમતી ધાતુઓને મળ્યો છે. વધુમાં, છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારો અને ટૂંકા ગાળાના વેપારીઓએ નીચા ભાવે ખરીદી શરૂ કરી છે. યુએસ ડૉલરની નબળાઈ અને શોર્ટ કવરિંગે પણ બુલિયન માર્કેટને ટેકો આપ્યો છે.