સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં વ્યાજદર વૃદ્ધિ: સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડતેલ પણ તૂટ્યું

અમેરિકામાં વ્યાજદર વૃદ્ધિ: સોના-ચાંદીમાં ઘટાડો, ક્રૂડતેલ પણ તૂટ્યું

અમેરિકામાં વ્યાજદરમાં વધારો થતાં વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી છે. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના (995)ના ભાવ રૂ. 1,51,241 અને ચાંદીના ભાવ રૂ. 2,29,642 રહ્યા હતા. અમદાવાદમાં સોનું 10 ગ્રામના રૂ. 500 અને ચાંદી કિલોદીઠ રૂ. 3,000 ઘટી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટ્યા હતા.

અમેરિકામાં વ્યાજદર વધારાતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના 4,346થી 4,347 ડોલર વચ્ચે થી નીચામાં 4,257 ડોલર થયા બાદ ફરી વધીને 4,342થી 4,343 ડોલર થયા હતા. ચાંદીના ભાવ ઔંસના 64.90 ડોલરથી નીચામાં 64.74 ડોલર અને ઉંચામાં 67.19 ડોલર થઈ 66.20થી 66.21 ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ. 500 ઘટ્યા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 3,000 ઘટ્યા હતા. અમદાવાદમાં સોનું 995ના રૂ. 1,55,700 અને 999ના રૂ. 1,56,000 રહ્યું હતું, જ્યારે ચાંદી રૂ. 2,32,000 રહી હતી. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ. 500 ઘટી 995ના રૂ. 1,51,241 અને 999ના રૂ. 1,51,849 રહ્યા હતા. ચાંદીના ભાવ જીએસટી વગર રૂ. 2,000 ઘટી રૂ. 2,29,642 રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં પ્લેટિનમના ભાવ 10 ગ્રામના રૂ. 200 ઘટી રૂ. 60,818 રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટિનમ 1,789 ડોલર અને પેલેડિયમ 1,292 ડોલર રહ્યા હતા. કોપરમાં વૈશ્વિક ભાવ 1.28 ટકા વધ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટ્યા હતા. જાણકારોના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયા ઓમાન માર્ગે ક્રૂડની નિકાસ વધારી રહ્યું હોવાના સમાચાર છે. ડોલર વધતાં તેની અસર પણ ક્રૂડના ભાવ પર દેખાઈ. બ્રેન્ટ ક્રૂડ 107.25 ડોલરથી નીચામાં 102.85 ડોલર થઈ 103.30 ડોલર રહ્યું હતું, જ્યારે યુએસ ક્રૂડ નીચામાં 100.33 ડોલર થઈ 100.70 ડોલર રહ્યું હતું.

અમેરિકામાં વ્યાજદર વધ્યા પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બ્રિટનમાં વ્યાજદર વધારવાને બદલે જાળવી રાખવાનો નિર્ણય કરતાં વૈશ્વિક બજારોમાં ચર્ચા જાગી છે. હવે બેન્ક ઓફ જાપાનની બેઠક પર બજારના ખેલાડીઓની નજર છે.