સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં સોનું ખરીદતા પહેલાં આ 5 રીતે ઘરે જ ચકાસો શુદ્ધતા, ભેળસેળથી બચો

દિવાળીમાં સોનું ખરીદતા પહેલાં આ 5 રીતે ઘરે જ ચકાસો શુદ્ધતા, ભેળસેળથી બચો

દિવાળી અને ધનતેરસ પર ઘણા લોકો સોનું ખરીદે છે. પણ સોનામાં ભેળસેળ થઈ હોય તો નુકસાનનો ડર રહે છે. શુદ્ધતાની સાચી જાણ ન હોવાને કારણે લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે. લેબ અને નિષ્ણાતોની તપાસ સૌથી સચોટ માનવામાં આવે છે, પણ કેટલીક સરળ રીતે તમે ઘરે બેઠા જ ઘરેણાંની શુદ્ધતા અંગે ઘણી હદ સુધી ખાતરી કરી શકો છો.

સૌથી ભરોસાપાત્ર રીત: હોલમાર્ક અને HUID કોડ

ભારત સરકારના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના નિયમ મુજબ સોનાના ઘરેણાં પર ત્રણ નિશાન હોવા જોઈએ: BISનો લોગો, કેરેટમાં શુદ્ધતા (જેમ કે 22K916 કે 18K750) અને 6 અંકનો HUID કોડ. તમે BIS Care એપ ડાઉનલોડ કરીને આ કોડ દાખલ કરો તો ઘરેણાંની વિગતો અને શુદ્ધતા થોડી જ મિનિટોમાં જોઈ શકો છો. નાના શહેર કે ગામમાંથી ખરીદ્યું હોય તો પણ હોલમાર્કિંગ સેન્ટર પર જઈને લગભગ 236 રૂપિયાના ખર્ચે શુદ્ધતા ચકાસી શકાય છે. HUID વાળું ઘરેણું ખરીદવું એ જ સમજદારી છે, જેથી ગુણવત્તાની શંકા ઊઠે તો ફરિયાદ કરીને ઉકેલ મળી શકે.

1. ચુંબક ટેસ્ટ

સોનું ચુંબકીય ધાતુ નથી. શક્તિશાળી ચુંબક ઘરેણાંની નજીક લાવો. જો સોનું ચુંબક તરફ ખેંચાય કે ચોંટી જાય, તો તેમાં લોખંડ, નિકલ કે બીજી ધાતુની ભેળસેળ હોવાની શક્યતા છે.

2. પાણી ટેસ્ટ

સોનું ભારે ધાતુ છે. પારદર્શક વાસણમાં પાણી ભરીને ઘરેણું નાખો. અસલી સોનું તરત જ તળિયે બેસી જાય છે. જો દાગીનો તરતો રહે કે નીચે બેસવામાં સમય લે, તો ભેળસેળ હોઈ શકે છે.

3. વિનેગર ટેસ્ટ

ઘરેણાં પર વિનેગરનાં થોડાં ટીપાં નાખો. જો રંગ બદલાય કે કાળો કે લીલો થવા લાગે, તો તે નકલી કે ઓછા કેરેટનું હોઈ શકે. અસલી સોના પર વિનેગરની રાસાયણિક અસર થતી નથી.

4. ઘસીને ટેસ્ટ

અસલી સોનામાંથી પરસેવા કે ધાતુ જેવી ગંધ આવતી નથી. આ ઉપરાંત, પોલિશ વગરની ચીનાઈ માટીની પ્લેટ પર સોનું હળવેથી ઘસો. સોનેરી લાઈન બને તો સોનું અસલી, જ્યારે કાળી કે રાખોડી લાઈન બને તો તે નકલી ગણાય.

નિષ્ણાતો કેવી રીતે તપાસે છે?

XRF સ્પેક્ટ્રોમીટર મશીનથી સોનાને નુકસાન પહોંચાડ્યા કે ઓગાળ્યા વિના, એક્સ-રે કિરણો દ્વારા બે સેકન્ડમાં ખબર પડે છે કે તેમાં કેટલા ટકા સોનું અને કેટલી બીજી ધાતુઓ (તાંબું, ચાંદી, જસત) છે. કસોટી પથ્થર પર ઘસીને નાઈટ્રિક એસિડનું ટીપું નાખવાની પરંપરાગત રીતથી પણ કેરેટનો અંદાજ મળે છે. ફાયર એસે ટેસ્ટ સૌથી પ્રમાણિત માનવામાં આવે છે, જેમાં સોનાનો નાનો ભાગ ઓગાળીને બીજી ધાતુઓ અલગ કરીને શુદ્ધ સોનાનું વજન માપવામાં આવે છે. આ તપાસ ઘરે શક્ય નથી, એટલે શંકા હોય તો નિષ્ણાત કે હોલમાર્કિંગ સેન્ટરની મદદ લેવી જ યોગ્ય છે.