સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકન ફેડે વ્યાજ દરમાં ફેરફાર નહીં: સોનું 2027 સુધીમાં ₹1.78 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની શક્યતા

અમેરિકન ફેડે વ્યાજ દરમાં ફેરફાર નહીં: સોનું 2027 સુધીમાં ₹1.78 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની શક્યતા

અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે પોતાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજ દર 3.75%થી 4% વચ્ચે યથાવત રાખવામાં આવ્યા છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયની અસર વૈશ્વિક બજારો પર પડશે. ભારતમાં સોનાના ભાવ પર પણ તેની અસર થશે. હાલમાં ભારતમાં સોનું ₹1,43,360 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

નિષ્ણાતોના મતે અમેરિકામાં મોંઘવારીના કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં થોડી મંદી જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે ભાવમાં તેજી આવશે અને 2027ના અંત સુધીમાં સોનું ₹1.78 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

ભારતમાં સોનાના ભાવ પર શું અસર પડશે?

સોનામાં બેંકમાં જમા કરેલા પૈસા જેવું વ્યાજ મળતું નથી. તેથી જ્યારે અમેરિકામાં વ્યાજ દરો, ડૉલરનો ભાવ અથવા બોન્ડની કમાણી વધે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટે છે.

બજાજ કેપિટલના રિસર્ચ હેડ સૌવિક બિસ્વાસના જણાવ્યા મુજબ વિશ્વભરમાં સોનામાં મંદી હોય તોપણ ભારતમાં રૂપિયાની નબળાઈ ભાવને ટકાવી રાખવામાં મદદ કરશે. ડૉલર સામે રૂપિયો નબળો રહે તો ભારતમાં સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થવાની શક્યતા ઘણી ઓછી છે.

ઓમ્નીસાયન્સ કેપિટલના CEO ડૉ. વિકાસ ગુપ્તાનું કહેવું છે કે ભારતમાં આગામી મહિનાઓમાં તહેવારો અને લગ્નોની સીઝનને કારણે સોનાની માંગ જળવાઈ રહેશે. તેનાથી સ્થાનિક ભાવને થોડો ટેકો મળશે.

MCX પર સોનાના ભાવ કેવા રહેશે?

આનંદ રાઠી શેર્સની રિસર્ચ એનાલિસ્ટ વેદિકા નાર્વેકરે MCX પર ₹1,43,360 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહેલા સોના માટે ભાવિ અનુમાન આપ્યું છે:

નવેમ્બર 2026: સોનાનો ભાવ ₹1.34 લાખથી ₹1.48 લાખ પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે.

ડિસેમ્બર 2026: વર્ષના અંતે કિંમતોમાં થોડો સુધારો થઈને ભાવ ₹1.40 લાખથી ₹1.53 લાખ પ્રતિ 10 ગ્રામની શ્રેણીમાં આવી શકે છે.

2027ના અંત સુધીમાં: લાંબા ગાળાનું વિચારો તો સોનું વધીને ₹1.75 લાખથી ₹1.78 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

અમેરિકામાં કડક વલણ હોવા છતાં સોનાના ભાવ કેમ નહીં ઘટે?

અમેરિકાની કેન્દ્રીય બેંક મોંઘવારીને કાબૂમાં લેવા ડિસેમ્બરમાં ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. તેમ છતાં કેટલાક મોટા કારણો સોનાની કિંમતોને ઘટતી અટકાવશે:

દુનિયાભરમાં સતત તણાવ: અનેક ભાગોમાં ચાલી રહેલા યુદ્ધ, તણાવ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત થતા ઉતાર-ચઢાવથી સોનાના ભાવને ટેકો મળશે.

બેંકો દ્વારા મોટા પાયે ખરીદી: દુનિયાભરની કેન્દ્રીય બેંકો સુરક્ષા માટે સતત સોનું ખરીદી રહી છે. અમેરિકા પર વધી રહેલું દેવું પણ સોનાને મજબૂતી આપી રહ્યું છે.

2027માં 10-12%નો લાભ: નિષ્ણાતો માને છે કે અમેરિકામાં નવેમ્બરની ચૂંટણીઓ સુધી સોનાનો ભાવ થોડો સુસ્ત રહી શકે છે, પરંતુ 2027માં તે 10%થી 12% સુધીનું વળતર આપી શકે છે.

સોનું ખરીદવા અને રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સલાહ

બજાજ કેપિટલના સંયુક્ત અધ્યક્ષ અને એમડી સંજીવ બજાજે સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકોને આ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે:

કુલ બચતમાંથી માત્ર 5 થી 10% જ સોનામાં રોકાણ કરો: તમારી કુલ જમા મૂડી (પોર્ટફોલિયો)માંથી માત્ર 5% થી 10% હિસ્સો જ સોનામાં (દાગીના, સિક્કા કે ગોલ્ડ ETF) રાખો.

એકસાથે બધા પૈસા ન રોકો, ધીમે-ધીમે ખરીદો: જો તમારી પાસે પહેલેથી ઘણું સોનું છે તો હાલમાં વધુ ખરીદવાની ઉતાવળ ન કરો. નવા ખરીદદારો એકસાથે મોટી રકમ રોકવાને બદલે થોડું-થોડું કરીને (SIPની જેમ) સોનું ખરીદે.

ભાવ વધુ ઘટવાની રાહ ન જુઓ: જો લગ્ન અથવા અન્ય કામ માટે સોનું ખરીદવું હોય અને બજેટ તૈયાર હોય તો ભાવ વધુ ઘટવાની રાહ ન જુઓ, કારણ કે બજારનો યોગ્ય સમય (માર્કેટ ટાઇમિંગ) પારખવો કોઈ માટે પણ સરળ નથી.

મોંઘવારી ઝડપથી વધે ત્યારે જ વધુ સોનું ખરીદો: ઓમ્નીસાયન્સ કેપિટલના ડૉ. વિકાસ ગુપ્તાનું કહેવું છે કે જ્યારે આગળ જતાં મોંઘવારી ખૂબ ઝડપથી વધે ત્યારે જ સોનામાં વધુ પૈસા રોકવા યોગ્ય નિર્ણય રહેશે.