સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું વર્ષ 2026માં 26% સસ્તું, ખરીદવાનો સમય છે કે હજુ ભાવ ઘટશે? જાણો રિપોર્ટ શું કહે છે

સોનું વર્ષ 2026માં 26% સસ્તું, ખરીદવાનો સમય છે કે હજુ ભાવ ઘટશે? જાણો રિપોર્ટ શું કહે છે

ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે અને આ સમયે સોનાના ભાવ પર રોકાણકારોની નજર ટકેલી છે. વર્ષ 2026માં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં આશરે 26 ટકાનો ઘટાડો થયો છે. હવે લોકોના મનમાં એક જ સવાલ છે — શું આ સોનું ખરીદવાનો સાચો સમય છે કે પછી ભાવ હજુ નીચે જશે?

Tata Asset Managementના મતે આ ઘટાડો લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદીની સારી તક હોઈ શકે છે. જો કે, ઉતાવળમાં રોકાણ કરવાની તેમણે સલાહ આપી નથી. સોનામાં આગળ પણ તીવ્ર ઉતાર-ચઢાવ રહી શકે છે, તેથી ટૂંકાગાળની તેજી કે મંદી જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી. Tata MFના ઓક્ટોબર 2026ના માર્કેટ આઉટલુક મુજબ, સોનું જાન્યુઆરીમાં $5,595 પ્રતિ ઔંસની ઊંચી સપાટીથી ઘટીને લગભગ $4,138 પર આવ્યું છે. આ ઘટાડાનું મુખ્ય કારણ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને મજબૂત અમેરિકન ડોલર છે.

Tata MF કહે છે કે સોનાની મૂળભૂત ક્ષમતામાં કોઈ નબળાઈ આવી નથી. લાંબાગાળે સોનાને ટેકો આપતું સૌથી મોટું પરિબળ સેન્ટ્રલ બેંકોની ખરીદી છે. વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં સેન્ટ્રલ બેંકોએ 289 ટન સોનું ખરીદ્યું. વર્ષ 2026માં કુલ ખરીદી 700થી 900 ટન વચ્ચે રહી શકે છે. વર્ષ 2022 પહેલાં આ સરેરાશ વાર્ષિક 400થી 500 ટન હતો. એટલે સેન્ટ્રલ બેંકોનો સોના પ્રત્યેનો રસ સ્પષ્ટ રીતે વધ્યો છે. ખાસ કરીને ઉભરતા બજારોની સેન્ટ્રલ બેંકો પોતાના અનામતમાં ડોલર ધરાવતી સંપત્તિઓનો હિસ્સો ઘટાડી રહી છે અને સોનાને વિકલ્પ તરીકે પસંદ કરી રહી છે.

ચીન પણ સોનાની માંગનું મોટું કેન્દ્ર બન્યું છે. Tata MF મુજબ, વર્ષ 2026માં ચીનની સોનાની આયાત 1,000 ટનને વટાવી ગઈ છે. આ આંકડો વર્ષ 2025ની આખા વર્ષની આયાત કરતાં પણ વધુ છે. રિટેલ માંગ, ગોલ્ડ ETFમાં રોકાણ અને સેન્ટ્રલ બેંકની ખરીદીને કારણે ચીનના ફિઝિકલ ગોલ્ડ માર્કેટને ટેકો મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ અને અમેરિકા-ચીન વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધા પણ સોનાની માંગ વધારી શકે છે.

Tata MFએ અમેરિકાના વધતા દેવા અને રાજકોષીય ખાધને પણ સોના માટે લાંબાગાળનું સકારાત્મક પરિબળ ગણાવ્યું છે. અમેરિકી સરકારનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું છે અને રાજકોષીય ખાધ GDPના આશરે 6થી 7 ટકા છે. જો દેવાની ટકાઉપણું અને ડોલરની ખરીદશક્તિ અંગે ચિંતા વધશે, તો સોનું રોકાણકારો માટે 'વેલ્યુ સ્ટોર' તરીકે વધુ આકર્ષક બની શકે છે.

લાંબાગાળે સોના પર Tata MFનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે, પણ તાજેતરની તેજી-મંદી જોતાં તેમણે સાવચેતી રાખવા કહ્યું છે. સોનામાં આગળ પણ તીવ્ર ઉતાર-ચઢાવ રહી શકે છે. તેથી, એકસાથે પૂરી રકમ રોકવાને બદલે તબક્કાવાર (SIP) રોકાણ કરવું સારું ગણાવ્યું છે. બજારની સૌથી નીચી સપાટી પકડવાનો પ્રયાસ કરવા કરતાં અલગ-અલગ સમયે થોડું-થોડું રોકાણ કરવું વધુ યોગ્ય મનાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. આ લેખ સોના-ચાંદી, શેર, મ્યુચ્યુઅલ ફંડ કે IPOમાં રોકાણ કરવાની કે વેચવાની સલાહ આપતો નથી. બજારમાં રોકાણ જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.