આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓ, ડોલર ઇન્ડેક્સ અને બજારમાં કરેક્શનને કારણે સોનાનો ભાવ રૂ. 1.45 લાખ અને ચાંદીનો ભાવ રૂ. 1.90 લાખ આસપાસ આવી પહોંચ્યો છે, જે ખરીદી માટે સારી તક ગણાય છે. આ વર્ષે વેચાણમાં 10થી 30 ટકાનો વધારો થવાની ધારણા છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે ભાવ ફરી વધી શકે છે.
વડોદરામાં તહેવારો અને લગ્નસરાની સીઝન માટે ગ્રાહકો અગાઉથી સોના-ચાંદીનું બુકિંગ કરાવી રહ્યા છે. અંદાજે 15 ટકા ગ્રાહકો લગ્નસરા પહેલાં જ સોનું એડવાન્સમાં બુક કરાવી રહ્યા છે, જેથી હાલના ઘટેલા ભાવમાં ખરીદી થઈ શકે. વડોદરામાં રૂ. 20થી 25 કરોડનું સોનું એડવાન્સમાં બુક થવાની ધારણા છે. વેપારીઓ રવિ પુષ્ય નક્ષત્રમાં સારી ખરીદી થવાની આશા રાખી રહ્યા છે.
ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સના માલિક મંદાર ગણદેવીકરે જણાવ્યું કે, આ વર્ષે સોના-ચાંદીની ખરીદી માટે સારી તક છે. અગાઉ સોનાનો ભાવ 1 લાખ 85 હજાર સુધી પહોંચ્યો હતો, હવે દિવાળીના શુભ અવસરે ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા 15-20 દિવસમાં ભાવ 1 લાખ 45 હજાર રૂપિયા આસપાસ આવી ગયો છે, જેથી જ્વેલરી ખરીદવાનો આ સારો સમય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તહેવારોની સીઝનમાં સોના-ચાંદી ખરીદવાના ત્રણ મુખ્ય દિવસો છે: રવિ પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી. ભારતીય સંસ્કૃતિમાં સોના-ચાંદીની ખરીદીને સમૃદ્ધિ અને સુરક્ષા સાથે જોડવામાં આવે છે. તેથી ભાવ ઘટતાં ગ્રાહકો અગાઉથી જ એડવાન્સ-પ્રી બુકિંગ કરાવી રહ્યા છે અને ઘટાડાનો લાભ લઈ રહ્યા છે.
આગામી દિવાળીમાં ભાવ ઘટશે કે વધશે તે અંગે ચોક્કસ આગાહી કરવી શક્ય નથી, પરંતુ તાજેતરના ઘટાડાને કારણે સોનું ખરીદવા માટે આ યોગ્ય તક છે. આ વર્ષે તહેવારોની સીઝનમાં ખરીદી અને વેચાણ સારું રહેશે તેવી આશા છે. હાલમાં શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધી છે અને સોના-ચાંદીનું વેચાણ પણ સતત વધી રહ્યું છે.
અમદાવાદમાં આ વર્ષે ખરીદીમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી પુષ્ય નક્ષત્ર અને ધનતેરસને ધ્યાનમાં રાખીને લોકો અત્યારથી જ દાગીના અને લગડીઓનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ભાવમાં ઘટાડાને ખરીદી માટેની સારી તક માનીને ગ્રાહકો બજારમાં આગળ આવી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના-ચાંદીની ખરીદીમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે.
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું કે, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં સોના-ચાંદીના ભાવમાં સારો ઘટાડો થયો છે. ગ્રાહકોએ ઘટાડો સ્વીકારીને ખરીદી શરૂ કરી દીધી છે. સોના-ચાંદીની લગડીઓની માંગ સારી છે. સોનામાં 9, 14 અને 18 કેરેટમાં પણ માંગ જોવા મળી રહી છે. 50 ગ્રામ સુધીની લગડીઓના બુકિંગ સારા થઈ રહ્યા છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં લગ્નના દાગીનાની ખરીદી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
એક્સચેન્જ ગોલ્ડમાં પણ ગ્રાહકો વધુ આવી રહ્યા છે. નવરાત્રી પછી સોના-ચાંદીના દાગીનાની રેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ 22 કેરેટમાં દાગીના બનતા હતા, હવે 9 કેરેટમાં પણ બનાવવામાં આવી રહ્યા છે. 9 અને 18 કેરેટના દાગીનામાં સૌથી વધુ લોકો કન્વર્ટ થઈ રહ્યા છે અને તેની ખરીદી વધુ કરી રહ્યા છે.