સત્ય. સાહસ. સંકલ્પ.

ગોલ્ડ ETF કે સિલ્વર ETF? એક વર્ષનું 90% રિટર્ન છેતરે નહીં, 6 મહિનાનું ગણિત જુઓ

ગોલ્ડ ETF કે સિલ્વર ETF? એક વર્ષનું 90% રિટર્ન છેતરે નહીં, 6 મહિનાનું ગણિત જુઓ

સોના અને ચાંદી બંનેએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી ઝડપી તેજીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વેલ્યુ રિસર્ચના આંકડા મુજબ, 2026માં સિલ્વર ફંડ કેટેગરીનું એક વર્ષનું વળતર લગભગ 90.41% રહ્યું છે. આ જ સમયગાળામાં ગોલ્ડ કેટેગરીએ આશરે 42.20% વળતર આપ્યું છે. સોના અને ચાંદી બંનેમાં રોકાણ કરતી કેટેગરીનું વળતર 58.97% રહ્યું છે.

પણ માત્ર એક વર્ષનું વળતર પૂરી તસવીર બતાવતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના અને ચાંદી બંનેમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો છે. ચાંદીમાં એક વર્ષની મજબૂત તેજી પછી તાજેતરના મહિનાઓમાં રોકાણકારોએ નુકસાન પણ વેઠવું પડ્યું છે. એટલે સવાલ એ થાય છે કે અત્યારે ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણ કરવાની તક છે કે નહીં, અને બંનેથી શેમાં ઉતાર-ચઢાવનું જોખમ વધુ છે.

ટૂંકાગાળાની તસવીર આંકડામાં સ્પષ્ટ દેખાય છે. ત્રણ મહિનામાં ગોલ્ડ કેટેગરીએ 3.25% વળતર આપ્યું છે, જ્યારે સિલ્વર કેટેગરીનું વળતર 2.22% નીચે ગયું છે. એક મહિનામાં ગોલ્ડનું વળતર 0.15% ઘટ્યું, જ્યારે ચાંદીમાં 1.23%નો વધારો જોવા મળ્યો હતો. ટૂંકમાં, અલગ-અલગ સમયગાળામાં બંને ધાતુઓનું પ્રદર્શન ખૂબ જ અલગ રહ્યું છે.

અલગ-અલગ ETFના આંકડા પરથી તાજેતરનો ઉતાર-ચઢાવ વધુ સ્પષ્ટ થાય છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના 31 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ Kotak Silver ETFનું એક વર્ષનું વળતર 81.71% રહ્યું, પણ છ મહિનાનું વળતર -13.91% રહ્યું છે. એટલે એક વર્ષ પહેલાં નાણાં રોકનાર રોકાણકારો મોટા ફાયદામાં રહ્યા, પણ છ મહિનાના ગાળામાં તસવીર તદ્દન બદલાઈ ગઈ. ગોલ્ડમાં પણ તાજેતરના મહિનાઓમાં નરમાઈ આવી છે, પણ આ ઘટાડો ચાંદીની સરખામણીએ ઓછો હતો. આ જ સમયગાળામાં Kotak Gold ETFનું એક વર્ષનું વળતર 38.52% અને છ મહિનાનું વળતર -4.53% રહ્યું.

આના પરથી એ પણ સાબિત થાય છે કે માત્ર છેલ્લા એક વર્ષનું વળતર જોઈને રોકાણનો નિર્ણય લેવો જોખમી સાબિત થઈ શકે છે. વેલ્યુ રિસર્ચના ઉપલબ્ધ આંકડા મુજબ, એક વર્ષના વળતરમાં ઘણા સિલ્વર ETF 80%થી વધુ વળતર આપી ચૂક્યા છે. આ ફંડના છ મહિનાના આંકડા પણ એક મહત્વનો સંકેત આપે છે. Tata Silver ETFનું છ મહિનાનું વળતર -5.12%, ICICI Pru Silver ETFનું -5.00%, DSP Silver ETFનું -5.02%, ABSL Silver ETFનું -4.93% અને Kotak Silver ETFનું -4.96% દેખાય છે.

ગોલ્ડ ETFમાં પણ એક વર્ષ દરમિયાન મજબૂત વળતર જોવા મળ્યું છે, જોકે તે ચાંદી કરતાં ઓછું રહ્યું છે. એક વર્ષના ગાળામાં ચાંદીએ ગોલ્ડ કરતાં વધુ વળતર આપ્યું, પણ તાજેતરના ઘટાડામાં ચાંદીમાં નુકસાન પણ વધુ રહ્યું છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના ETF ફંડ મેનેજરના જણાવ્યા અનુસાર મધ્યમથી લાંબાગાળાના દૃષ્ટિકોણથી સોના અને ચાંદીને લઈને આશાસ્પદ ચિત્ર જળવાયેલું છે, પણ ટૂંકાગાળામાં તેમાં ભારે ઉતાર-ચઢાવ આવી શકે છે.

તેમના જણાવ્યા મુજબ, અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઊંચું રહેવું હાલ સોના માટે મોટો પડકાર છે. યીલ્ડ વધવાથી સોના જેવા વ્યાજ વગરના એસેટનું આકર્ષણ ઘટે છે. બીજી તરફ સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની આશા લાંબાગાળે સોનાને મજબૂતી આપી શકે છે. ચાંદીના કિસ્સામાં ઉતાર-ચઢાવ વધુ રહી શકે છે, કારણ કે તેની કિંમત માત્ર રોકાણની માંગ પર નહીં, પણ ઔદ્યોગિક માંગ પર પણ નિર્ભર કરે છે.

છેલ્લા એક વર્ષના વળતરને જોઈએ તો ચાંદી સ્પષ્ટપણે આગળ રહી છે, પણ છ મહિના અને ત્રણ મહિનાના આંકડા દર્શાવે છે કે તેમાં જોખમ પણ વધુ છે. તેથી 80થી 90%નું જૂનું વળતર જોઈને સીધું રોકાણ કરવું યોગ્ય નિર્ણય નથી. નિષ્ણાતોનું કહેવું છે કે ગોલ્ડ અને સિલ્વર ETF દ્વારા ભૌતિક મેટલ રાખ્યા વગર રોકાણ કરી શકાય છે. રોકાણકારો બજારમાં ઘટાડા વખતે ધીમે-ધીમે SIP કે ટુકડાઓમાં રોકાણ વધારવાનો વિચાર કરી શકે છે.