સત્ય. સાહસ. સંકલ્પ.

ગોલ્ડ ETFમાં એક વર્ષમાં 35% વળતર, ઓછા પૈસામાં સોનામાં રોકાણ કરવાની સરળ રીત

ગોલ્ડ ETFમાં એક વર્ષમાં 35% વળતર, ઓછા પૈસામાં સોનામાં રોકાણ કરવાની સરળ રીત

રોકાણકારોને આ દિવસોમાં સોનામાં રોકાણ આકર્ષી રહ્યું છે. ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં રોકાણ જુલાઈના 1,558 કરોડ રૂપિયાથી વધીને 2,596 કરોડ રૂપિયા થયું છે. ગોલ્ડ ETFએ છેલ્લા એક વર્ષમાં 35%થી વધુ વળતર આપ્યું છે.

જેફરીઝના ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજી હેડ ક્રિસ વૂડ માને છે કે સોનાના ભાવમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે. તેથી જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો ગોલ્ડ ETF દ્વારા રોકાણ કરી શકો છો.

ગોલ્ડ ETF શું છે?

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) સોનાના ભાવના આધારે ચાલે છે. ગોલ્ડ ETFની ખરીદી અને વેચાણ શેરની જેમ BSE અને NSE પર કરી શકાય છે. જોકે, તેમાં તમને ભૌતિક સોનું મળતું નથી. જ્યારે તમે તેમાંથી બહાર નીકળવા ઇચ્છો, ત્યારે તે સમયના સોનાના ભાવ મુજબની રકમ મળે છે.

રોકાણ કેવી રીતે કરવું?

ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે બ્રોકર મારફતે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડે છે. NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો. તેની રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કપાઈ જશે. ઓર્ડર આપ્યાના બે દિવસ બાદ ગોલ્ડ ETF તમારા ડીમેટ અકાઉન્ટમાં જમા થાય છે. ટ્રેડિંગ અકાઉન્ટ દ્વારા જ તેને વેચી શકાય છે.

મર્યાદિત રોકાણ ફાયદાકારક

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોનામાં રોકાણ ગમે તેટલું આકર્ષક લાગે, તેમાં મર્યાદિત રકમ જ રોકવી જોઈએ. કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15% હિસ્સો જ સોનામાં રોકવો જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં કરેલું રોકાણ પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે.