ભારતમાં ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે સોનાની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આસમાને પહોંચેલા ભાવ અને ઘરગથ્થુ બજેટ પરના દબાણને કારણે દેશમાં સોનાની માંગ છ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના તાજેતરના અહેવાલ મુજબ, કોરોના રોગચાળા પછી પહેલી વાર જ્વેલરી શોરૂમમાંથી રોનક આટલી ઝડપથી ગાયબ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશભરમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 162.5 મેટ્રિક ટન થઈ ગઈ છે. લગ્નગાળા માટે દાગીનાની ખરીદીમાં 20 ટકા ઘટાડો થયો છે, જ્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
સરકારે આયાત જકાત વધાર્યા બાદ આયાતમાં ઘટાડો થયો છે, જેણે બજારની અનિશ્ચિતતા વધારી છે. ભારતમાં સોનાની કુલ માંગના 50 ટકાથી વધુ હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો વરસાદ થયો છે. પાકને નુકસાન અને ખેતીમાંથી ઘટતી આવકે ખેડૂતોની ખરીદશક્તિ ઘટાડી છે.
ઓક્ટોબરમાં દશેરા પછી હવે નવેમ્બરની શરૂઆતમાં ધનતેરસ અને દિવાળી આવી રહ્યા છે અને ત્યારબાદ લગ્નની સિઝન શરૂ થશે. WGCના ઇન્ડિયન ઓપરેશન્સ હેડ સચિન જૈને રોઇટર્સને જણાવ્યું કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં ખરીદીમાં સુધારો જોવા મળી શકે છે, પરંતુ હાલની રેકોર્ડ કિંમતો અને ગ્રામીણ અર્થતંત્ર પરના દબાણને કારણે સુધારો જૂની ગતિ પકડી શકે નહીં.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકારની સલાહ લો.