સત્ય. સાહસ. સંકલ્પ.

ગોધરા ટ્રેનકાંડ: સોનિયા ગાંધીના પુસ્તક પર બચી ગયેલા પ્રત્યક્ષદર્શીનો સવાલ- આગ કોણે લગાવી એ કેમ લખ્યું નથી?

ગોધરા ટ્રેનકાંડ: સોનિયા ગાંધીના પુસ્તક પર બચી ગયેલા પ્રત્યક્ષદર્શીનો સવાલ- આગ કોણે લગાવી એ કેમ લખ્યું નથી?

ગોધરા ટ્રેનકાંડને 24 વર્ષ વીતી ગયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging – The Journey of Love' માં કરાયેલા દાવાથી ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પુસ્તકના પાના નંબર 401 થી 403 વચ્ચે 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ અને ગુજરાતના સાંપ્રદાયિક રમખાણોનો ઉલ્લેખ છે. પાના નંબર 403 પર સોનિયા ગાંધીએ લખ્યું છે કે સાબરમતી એક્સપ્રેસના ચાર કોચમાં આગ લગાડવામાં આવી હતી અને 59 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા, ત્યારબાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. ટ્રેન અયોધ્યાથી હિન્દુ કારસેવકો અને સ્વયંસેવકોને લઈને અમદાવાદ પરત ફરી રહી હતી. પુસ્તકમાં ટ્રેનમાં આગ લાગવાના કારણને વિવાદિત ગણાવવામાં આવ્યું છે.

આ દાવા પર ઘટનાના પ્રત્યક્ષદર્શી અને હાલ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી અશ્વિન પટેલે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે ટ્રેનમાં આગ લગાવવામાં આવી ત્યારે તેઓ ટ્રેનમાં જ હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટના માત્ર આગ લગાવવાની નહોતી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એસિડ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. પુસ્તકમાં આગ લગાવવાનો ઉલ્લેખ છે, તો પછી તે કોણે લગાવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી, એવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

બીજા પ્રત્યક્ષદર્શી કલ્પેશ ઝા, જે તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના સાબરમતી ટ્રેનના ઇન્ચાર્જ હતા, તેમણે 27 ફેબ્રુઆરી 2002ની ઘટના યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે અયોધ્યાથી સાબરમતી તરફ જતી ટ્રેનમાં વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તા અને રામભક્તો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. ટ્રેનમાં ભજન મંડળીઓએ ભજન ગાઈને ભક્તિમય માહોલ બનાવ્યો હતો. ગોધરા રેલવે સ્ટેશન પર શરૂઆતમાં સામાન્ય દિવસ જેવો માહોલ હતો. પ્લેટફોર્મ પર ફેરિયાઓ સામાન વેચી રહ્યા હતા અને લોકો નાસ્તો કરી રહ્યા હતા. પરંતુ અચાનક પ્લેટફોર્મ પર મોટું ટોળું એકત્રિત થયું અને ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો.

કલ્પેશ ઝાના જણાવ્યા અનુસાર, હુમલાના લગભગ બે મિનિટ બાદ ટ્રેન પ્લેટફોર્મથી સાબરમતી તરફ રવાના થઈ. ટ્રેનમાં ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો હાજર હોવાથી તેમણે પોતાનો જીવ બચાવવા ડબ્બાના દરવાજા અને બારીઓ બંધ કરી દીધા હતા. આ દરમિયાન ડબ્બા નંબર S-6 નીચે ઘાસમાં આગ લગાવવામાં આવી હતી. થોડા સમય બાદ ડબ્બામાં આગ ફેલાવા લાગી અને અંદર ધુમાડો ભરાવા લાગ્યો. ધુમાડાના કારણે મુસાફરોને ગૂંગળામણ થવા લાગી. જ્યારે મુસાફરોએ બચવા માટે દરવાજા અને બારીઓ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે બહારથી કોસ લઈને તેમના પર હુમલો કરવામાં આવ્યો. આથી મુસાફરોએ ફરીથી બારીઓ અને દરવાજા બંધ કરી દીધા. પરિણામે ડબ્બાની અંદર ધુમાડો ફેલાતો રહ્યો અને ગૂંગળામણના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે કાર્યકર્તાઓએ પાછળના દરવાજેથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા અને મહિલાઓને નજીકમાં આવેલા ખાડાના ભાગમાં સુરક્ષિત રાખવામાં આવી.

કલ્પેશ ઝાના જણાવ્યા અનુસાર, ઘટનાના થોડા સમય બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જેને પગલે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના લગભગ એક કલાક ચાલી હતી અને 24 વર્ષ બાદ પણ તેની યાદો તાજી છે.