ગોધરા કાંડને 24 વર્ષ વીતી ગયા છે, પરંતુ સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ પર રાજકારણ હજી ચાલુ છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેમના પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ'ના પાના 401 થી 403 વચ્ચે 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ અને ગુજરાતના સાંપ્રદાયિક રમખાણો વિશે લખ્યું છે. પુસ્તકના પાના 403 પર તેમણે ટ્રેનમાં લાગેલી આગના કારણને 'વિવાદિત' ગણાવ્યું છે.
આ ઘટનાની તપાસ કરનાર ગુજરાત પોલીસ SITના તત્કાલીન વડા રાકેશ અસ્થાનાએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે આગ લાગવાનું કારણ વિવાદિત છે એવું કહેવું ખોટું છે. આગ જાણીજોઈને કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી.
ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી રાકેશ અસ્થાનાએ કહ્યું કે આગ લાગવાનો કેસ ફોરેન્સિક પુરાવા, પ્રત્યક્ષદર્શીઓની જુબાની, કેટલાક આરોપીઓના કબૂલાતનામા અને બળી ગયેલા કોચ તથા આસપાસના વિસ્તારોની ફોરેન્સિક તપાસ પર આધારિત છે. તેમણે કહ્યું કે પ્રોસિક્યુશનનો કેસ માત્ર આ કબૂલાતનામાઓ પર નિર્ભર ન હતો, કારણ કે ફોરેન્સિક પુરાવા અને સ્વતંત્ર સાક્ષીઓ ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં સજા અપાવવા માટે પૂરતા હતા. તેમણે જણાવ્યું કે ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે આગ કેવી રીતે લાગી અને કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું હતું. મને ગર્વ છે કે તપાસ પુરાવા અને સાક્ષીઓના આધારે જ આગળ વધારવામાં આવી હતી.
અસ્થાનાએ ઘટનાનો ક્રમ સમજાવતાં કહ્યું કે સવારે 8:10 વાગ્યે જ્યારે ટ્રેન પ્લેટફોર્મથી આગળ વધી રહી હતી ત્યારે એકસાથે 3-4 બોગીઓમાં ચેન પુલિંગ કરવામાં આવી હતી, જેના કારણે ટ્રેન અટકી ગઈ હતી. ટ્રેન ફરી શરૂ થઈ ત્યારે ફરીથી 4 ડબ્બાઓમાં એકસાથે ચેન પુલિંગ કરવામાં આવી હતી. આ ચેન પુલિંગ બે ડબ્બાઓની વચ્ચે આવેલી ચાવીથી કરવામાં આવે છે. વેક્યૂમની ચાવી ફેરવીને ટ્રેનને રોકવામાં આવી હતી, જેના કારણે અડધો કિલોમીટર ચાલ્યા બાદ ટ્રેન ફરી અટકી ગઈ હતી. તેમણે જણાવ્યું કે ટ્રેન સિગ્નલ વિસ્તાર પાસે અટકી હતી, જ્યાં પહેલેથી જ 150-200 લોકોની ભીડ એકઠી થઈ હતી, જે S6 કોચની બરાબર સામે ઊભી હતી. ભીડમાં સામેલ 20-25 છોકરાઓ પહેલેથી જ પેટ્રોલ લઈને ઊભા હતા.
સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ નિર્દેશકે કહ્યું કે બે ડબ્બાઓ વચ્ચેના ભાગ (વેસ્ટિબ્યૂલ)ને કાપી નાખ્યો; S6નું વેસ્ટિબ્યૂલ કેનવાસનું હતું, જે 1987માં બનાવવામાં આવ્યું હતું, જ્યારે S7નું વેસ્ટિબ્યૂલ રબરનું બનેલું હતું. યુવકોએ S6ના વેસ્ટિબ્યૂલને કાપીને સ્લાઇડિંગ દરવાજાથી અંદર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના કારણે મુસાફરોએ દરવાજો પહેલેથી જ બંધ કરી દીધો હતો.
રાકેશ અસ્થાનાએ કહ્યું, "તેમનામાંથી કેટલાક છોકરાઓએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો, અંદર ઘૂસ્યા, 140 લીટર પેટ્રોલ બોગીમાં રેડ્યું અને પછી બહાર કૂદી ગયા. બહાર હાજર ભીડે બારીઓમાંથી અંદર મશાલો ફેંકી. પથ્થરમારાને કારણે બારીઓ પહેલેથી જ તૂટી ગઈ હતી. 5 મિનિટની અંદર આખી બોગીમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં 59 લોકોનાં મોત થયાં, જેમાં 27 મહિલા, 10 બાળકો અને 22 પુરુષો સામેલ હતા."
અસ્થાનાએ જણાવ્યું કે બીજી તપાસમાં સામે આવ્યું કે જે લોકો બહાર જીવ બચાવવા માટે કૂદ્યા હતા, તેમને ટોળાએ દોડાવીને મારી નાખ્યા હતા. સોનિયા ગાંધીના પુસ્તકમાં આગના કારણોને વિવાદાસ્પદ ગણાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ અકસ્માત હતો એવું કહેવું, તપાસ તો એવું કહેતી નથી. સવારે ટોળાનું એકઠું થવું, પેટ્રોલ ભેગું કરવું, અમન ગેસ્ટ હાઉસમાં બેઠક કરીને પેટ્રોલ ભેગું કરીને આયોજન કરવું, આ બધું અકસ્માત હોવાનું દર્શાવતું નથી. ગેસ્ટ હાઉસનો માલિક રઝ્ઝાક કુરકુર પણ સૂત્રધારોમાં સામેલ હતો.
સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં પાના 403 પર લખ્યું છે કે 2002નાં રમખાણો ત્યારે ભડક્યાં હતાં જ્યારે સાબરમતી એક્સપ્રેસના 4 ડબ્બાઓમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 યાત્રાળુઓનાં મોત થયાં હતાં. આ યાત્રાળુઓ અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તેમાં રામ મંદિરના સ્વયંસેવકો સવાર હતા. તેમણે આગળ એ પણ લખ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદિત છે.