સત્ય. સાહસ. સંકલ્પ.

ગોધરા: અંત્યોદય એક્સપ્રેસમાંથી 5 સગીર બાળકો બચાવ્યા, બાળમજૂરીની આશંકા

ગોધરા: અંત્યોદય એક્સપ્રેસમાંથી 5 સગીર બાળકો બચાવ્યા, બાળમજૂરીની આશંકા

ગોધરા રેલવે પોલીસે 'ઓપરેશન મુસ્કાન' હેઠળ એક મોટી કાર્યવાહી કરી છે. દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી બિહારના પાંચ સગીર બાળકોને બિનવારસી હાલતમાં બચાવવામાં આવ્યા છે. આ બાળકોને મજૂરીકામ માટે અમદાવાદ લવાઈ રહ્યા હોવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ, ટ્રેનમાં લગભગ 31 સગીર બાળકોને મજૂરીકામ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની ગોધરા રેલવે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટ્રેન ગોધરા રેલવે સ્ટેશને પહોંચતા જ RPF અને GRPની ટીમોએ ટ્રેનના કોચમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન ટ્રેનના કોચમાંથી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં પાંચ સગીર બાળકો મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બચાવ કરાયેલા આ તમામ બાળકો બિહારના સીતામઢી, દરભંગા અને મધુબની જિલ્લાના વતની છે. પોલીસે તમામ બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)ને સોંપવાની કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ જ દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી અગાઉ પણ છ સગીર બાળકોને બાળમજૂરીના ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ટૂંકા સમયગાળામાં એક જ ટ્રેનમાંથી સતત બાળકો મળી આવતા રેલવે તંત્ર અને પોલીસ ચોંકી ઉઠ્યા છે.

માનવ તસ્કરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકાને પગલે ગોધરા રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. બાળકોને કોણ લઈ આવ્યું હતું અને અમદાવાદમાં કોને સોંપવાના હતા, તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.