સત્ય. સાહસ. સંકલ્પ.

ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઇવ: ₹1 કરોડની વીજચોરી પકડાઈ, 91 ગ્રાહકો સામે કાર્યવાહી

ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઇવ: ₹1 કરોડની વીજચોરી પકડાઈ, 91 ગ્રાહકો સામે કાર્યવાહી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)એ 30 સપ્ટેમ્બરે વહેલી સવારે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં અંદાજે રૂ. 1 કરોડની વીજચોરી પકડાઈ છે.

ગોધરાના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં MGVCLએ 55 જેટલી અલગ-અલગ ટીમો બનાવીને વહેલી સવારથી સઘન તપાસ શરૂ કરી હતી. ટીમોએ સિંગલ ફળિયા, સાતપુલ, ચુચલા પ્લોટ, પોલન બજાર સહિતના વિસ્તારોના કુલ 1,997 વીજ કનેક્શનોની તપાસ કરી હતી. જેમાં 91 વીજ કનેક્શનોમાં વીજચોરી ઝડપાઈ છે.

ચેકિંગ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજ ગ્રાહકો અને MGVCLની ટીમ વચ્ચે રકઝક થઈ હતી. જો કે, સ્થાનિક પોલીસે સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો અને કામગીરી આગળ ધપાવી હતી. વીજચોરીમાં પકડાયેલા તમામ 91 વીજ ગ્રાહકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.