પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ પોલીસે બે ગણેશ મંડળોના આયોજકો સામે ગુના નોંધ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગોધરા પોલીસે આરંભચા ચિંતામણી ગ્રુપ અને શ્રી ગ્રુપના આયોજકો સામે અલગ-અલગ ગુના નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ પૈકી એક મંડળે જાહેરનામાની મર્યાદા ભંગ કરીને 9 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. બીજા મંડળે વિસર્જન અને ઉત્સવ માટે નક્કી કરેલી અન્ય શરતો અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરનારા આયોજકો સામે ગોધરા પોલીસે ગુનો નોંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્સવો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. આ કાર્યવાહીને પગલે અન્ય આયોજકોમાં પણ ચકચાર મચી ગઈ છે.