પંચમહાલના ગોધરા ખાતે આવેલી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને ડાન્સ શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, શિક્ષક શકલીન અઝગરે વિદ્યાર્થીને 4થી 5 લાફા માર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીના ગાલ પર સોજો આવ્યો હતો અને કાનમાં દુખાવો થવા લાગ્યો હતો.
દુખાવો વધતાં વિદ્યાર્થીને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગોધરા ‘A’ ડિવિઝન પોલીસે ડાન્સ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ આજે (1 ઓક્ટોબર) શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખીને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વાલીઓના હોબાળા અને વિરોધ બાદ શાળા સત્તાધીશોએ ડાન્સ શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.
આ મામલે પોલીસની તપાસ ચાલુ છે, જ્યારે શાળા દ્વારા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે.