પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં આજે, 9 ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે અચાનક આગ લાગી હતી. સ્ટોર રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.
આગની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા પહેલાં કાબૂમાં લઈ લીધી હતી. સ્ટોર રૂમમાં રાખેલો સામાન બળી જવાથી નુકસાન થયું છે.
હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આગ લાગતાં સારવાર હેઠળના દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે કે બીજા કોઈ કારણસર, તે દિશામાં હોસ્પિટલ તંત્ર અને સંબંધિત વિભાગ તપાસ કરી રહ્યા છે.