સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગોધાવી ગામે 25 જૂના રિવાજો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય

અમદાવાદના ગોધાવી ગામે 25 જૂના રિવાજો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય

અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામની ગ્રામ પંચાયતે ગામલોકોની સર્વાનુમતિ સાથે 25 જૂના રિવાજોને બંધ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. આ નિર્ણય દીકરા-દીકરીમાં ભેદભાવ અને બિનજરૂરી આર્થિક બોજ વધારતા રિવાજોને દૂર કરવા લેવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતે જાહેર કરેલા નિયમોમાં દીકરાના જન્મ પર પેંડા આપવાનો, દોહિતરનો, તેલ-ધૂપેલનો, મૃત્યુ પછી રાત્રે બેસવાનો અને કૂટવાનો રિવાજ બંધ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વરઘોડામાં પૈસા ઉડાડવા, બારમા દિવસે પોટી કે બંગડીની પ્રથા, બીમાર વ્યક્તિને મળવા જવા પર ચા-પાણી કરવા અને બેસણામાં નૂંતર દેવા જેવા રિવાજો પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

લગ્ન સમયે બે ટાઈમ જમણવાર, દીકરાના લગ્નમાં એક ટાઈમ જમણવાર, બેસતા વર્ષે પૈસા આપવા-લેવા નહિ, મહિલાઓને માંડવાનું જોપા જોવાની પ્રથા બંધ, ગામના રસ્તા પર પાણી ઢોળવા પર રૂ. 500 દંડ, ભજનનો સમય બપોરે 2 થી 4:30 વગેરે નિયમોનો સમાવેશ થાય છે.

મૃત્યુ પછી રાણા આવે ત્યારે વ્યાપવાની પ્રથા, દીકરીઓને તેડાવવાનું બંધ (જો નજીક હોય જેમ કે બોપલસ ઘૂમા તો જ તેડાવવી), દીકરીઓને જમીન વેચે ત્યારે ભાગ આપવાનો બંધ અને જો કોઈ કેસ કરે તો તેને ગોધાવીના મહાદેવના સમ અને પાંચ લાખ દંડ, જે દંડ ગોધાવીના મહાદેવને અર્પણ કરવાનો રહેશે, તેમજ બેસણામાં વાસણ અને ભરની પ્રથા બંધ કરવામાં આવી છે. જો કોઈ પુણ્ય કરવું હોય તો ગાયને ઘાસ ખવડાવવું.

ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, વર્ષોથી ચાલી આવતી ખોટી પરંપરાઓને કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધતો હતો અને દીકરા-દીકરીમાં ભેદભાવ જેવી માન્યતાઓને પ્રોત્સાહન મળતું હતું. આ ઠરાવથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.