ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં આરોગ્યને લગતું ગંભીર સંકટ ઊભું થયું છે. યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાનો વિદ્યાર્થી મંડળનો દાવો છે. તેમણે કરેલા સર્વે મુજબ કેમ્પસમાં ડેન્ગ્યુના 93, ટાઇફોઇડના 10, વાયરલ ચેપના 58, ફૂડ પોઇઝનિંગના 20 અને અન્ય ચેપના 19 કેસ નોંધાયા છે.
વિદ્યાર્થી મંડળે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને પીવાના પાણીની સુરક્ષા, ખોરાકની સ્વચ્છતા અને ગટરની જાળવણી બાબતે યુનિવર્સિટી પ્રશાસન પર બેદરકારીના આરોપો મૂક્યા છે. ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના કેસમાં મોટો ઉછાળો આવ્યા છતાં, તંત્રે તાત્કાલિક માળખાકીય સમારકામ કરવાને બદલે માત્ર આશ્વાસન આપતી સલાહ આપવાનું વલણ અપનાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે પીવાના પાણીમાં ક્લોરિનનો તીવ્ર સ્વાદ આવે છે અને 'શિષ્ય ભવન'ના ત્રીજા માળે RO ફિલ્ટર નથી. બોયઝ હોસ્ટેલમાં ફિલ્ટર મેન્ટેનન્સ દરમિયાન ટોઇલેટ સીટ સાફ કરવા માટે વપરાતા મગનો ઉપયોગ કરાતો હોવાનું પણ તેમણે જોયું હતું.
હોસ્ટેલ પરિસરમાં અસ્વચ્છતાના ઘણા મુદ્દા સામે આવ્યા છે:
- ગર્લ્સ હોસ્ટેલ પરિસર નજીક ગટર લીકેજની સમસ્યા ઉકેલાઈ નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે.
- બોયઝ હોસ્ટેલના રૂમ નંબર GF-26 ની સામે સીલિંગ બીમમાંથી લગભગ એક મહિનાથી ગંદુ પાણી ટપકી રહ્યું છે, જેના પર પ્રાણીઓના ઉપદ્રવથી સ્વચ્છતાનું ભારે જોખમ ઊભું થયું છે.
- ડેન્ગ્યુ અને મચ્છરજન્ય ચેપમાં ભારે વધારો થવા છતાં હોસ્ટેલના શૌચાલયોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી નથી.
- મેસના ખોરાકમાંથી ધાતુના બ્લેડ, પથ્થર, મરેલા જીવજંતુઓ અને કાચના ટુકડા જેવી ભયજનક વસ્તુઓ વારંવાર મળી આવી છે.
વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ મેન્ટેનન્સ પેટે અંદાજે 28,000 રૂપિયા અને મેસ ફી તરીકે 42,000 રૂપિયા ચૂકવે છે. આમ છતાં, બીમાર પડ્યા બાદ બહારથી સ્વચ્છ પાણી અને ખોરાક ખરીદવો પડતાં તેઓ આર્થિક બોજ હેઠળ દબાયા છે. વધુમાં, ખીચડી કે ઈડલી જેવો સાદો આહાર મંગાવનાર વિદ્યાર્થીઓને વૉર્ડન દ્વારા અપમાનિત કરાતા હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યો છે.
વિદ્યાર્થી મંડળે નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ કરી છે:
- બાહ્ય નિષ્ણાતો દ્વારા કેમ્પસનું સ્વતંત્ર હેલ્થ અને સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
- ઈ. કોલાઈ અને સાલ્મોનેલા ટાઈફી જેવા રોગકારક જીવાણુઓ માટે વ્યાપક માઇક્રોબાયોલોજિકલ ટેસ્ટિંગ કરાવવામાં આવે.
- શૈક્ષણિક રાહત મેળવવા માટે હોસ્પિટલમાં દાખલ થવું ફરજિયાત બનાવતી વર્તમાન મેડિકલ મુક્તિ નીતિમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.
- સ્ટુડન્ટ્સ બોડી એસોસિએશન (SBA)ના સક્રિય પ્રતિનિધિત્વ ધરાવતી એક સ્વતંત્ર મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવે.