સત્ય. સાહસ. સંકલ્પ.

GMDC ગ્રાઉન્ડની વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષથી પેઇડ એન્ટ્રી, ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિક્રિયા

GMDC ગ્રાઉન્ડની વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષથી પેઇડ એન્ટ્રી, ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિક્રિયા

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ આ વર્ષે નવી ટિકિટિંગ વ્યવસ્થા સાથે યોજાશે. અત્યાર સુધી સામાન્ય જનતા માટે આ આયોજનમાં પ્રવેશ નિઃશુલ્ક હતો, પરંતુ આ વર્ષથી પેઇડ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર વિપિન ગર્ગનો આ અંગે સંપર્ક કરતાં તેમણે કહ્યું કે તેઓ મીટિંગમાં છે અને પછી જવાબ આપશે. જોકે, એક કલાક બાદ ફરી સંપર્ક કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ટિકિટ કેમ રાખવામાં આવી છે તે અંગે ટુરિઝમ વિભાગ તરફથી સ્પષ્ટતા મળી શકી નથી.

નવી ટિકિટિંગ વ્યવસ્થા મુજબ, પહેલા નોરતે તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. બીજા નોરતાથી છેલ્લા નોરતા સુધી ખેલૈયાઓએ ચાર્જ ચૂકવીને બુકમાય શો પરથી પાસ લેવા પડશે. ગ્રાઉન્ડને બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

સામાન્ય ખેલૈયાઓ માટેના 'સેલિબ્રેશન ઝોન'માં બીજાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹100 અને ગ્રુપ બુકિંગમાં ₹300થી ₹600 સુધીનો ચાર્જ રહેશે. છઠ્ઠા નોરતાથી નવમા નોરતા સુધી આ ઝોનમાં પ્રતિ વ્યક્તિ ₹250 અને ગ્રુપ બુકિંગમાં ₹750થી ₹1,500 સુધીનો ચાર્જ રહેશે.

સ્ટેજ નજીક અને વિશેષ સુવિધાઓ ધરાવતા 'પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન'માં બીજાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹200 અને ગ્રુપ બુકિંગમાં ₹600થી ₹1,200 સુધીનો ચાર્જ રહેશે. છઠ્ઠા નોરતાથી નવમા નોરતા સુધી આ ઝોનમાં પ્રતિ વ્યક્તિ ₹500 અને ગ્રુપ બુકિંગમાં ₹1,500થી ₹3,000 સુધીનો ચાર્જ રહેશે.

વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આ મહોત્સવનો પાયો નાખવામાં આવ્યો હતો. દેશ-વિદેશના મહેમાનો માટે શરૂ થયેલો આ ઉત્સવ આજે ગુજરાતની ગરિમા સમાન વૈશ્વિક આકર્ષણ બની ચૂક્યો છે. શેરી ગરબીઓથી પાર્ટી પ્લોટ સુધી વિસ્તરેલી સંસ્કૃતિ બાદ હવે GMDC ખાતે પણ પેઇડ ટિકિટિંગ વ્યવસ્થા લાગુ થતાં નિયમિત ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

ખેલૈયા વિજય રાઠોડે જણાવ્યું હતું કે, GMDCમાં ગરબાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. GMDCમાં જ્યાં ગરબાનું આયોજન થાય છે ત્યાં મોટાભાગે હોસ્ટેલો આવેલી છે, જેથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ આનંદની સાથે માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. તેથી GMDCમાં ફ્રીમાં જ એન્ટ્રી આપવી જોઈએ, કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવો ન જોઈએ, કારણ કે સરકાર જ આનું આયોજન કરતી હોય છે તો તે ફ્રીમાં એન્ટ્રી આપી શકે છે.

વિદ્યાર્થી કમલેશ પરમારે જણાવ્યું હતું કે, GMDC ગ્રાઉન્ડની આસપાસની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગરબા રમવા અને માતાની આરાધના કરવા જતા હોય છે. દર વર્ષે સરકાર દ્વારા ફ્રીમાં આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ₹100થી લઈને ₹3,000 સુધીનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ગરબા રમવા જતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય છે અને તેઓ અમદાવાદમાં રહીને મોટો ખર્ચ કરીને અભ્યાસ કરતા હોય છે. જો હવે ગરબા રમવા અને માતાની આરાધના કરવા માટે પણ પાસ લઈને જવું પડે તો તેમને વધુ ખર્ચ ભોગવવો પડશે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન ફ્રીમાં જ કરવું જોઈએ તેવી અમે ઈચ્છા રાખીએ છીએ.

વિદ્યાર્થી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, GMDC એવી જગ્યા છે જ્યાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ગરબા રમવા અને માતાની આરાધના કરવા આવતા હોય છે. સરકારે હવે માતાની આરાધના કરવા માટે પણ પૈસા કમાવાનું નક્કી કર્યું છે. અમદાવાદની એકમાત્ર ફ્રીમાં નવરાત્રી થતી હતી ત્યાં પણ હવે ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય નાગરિક અને વિદ્યાર્થીઓને તકલીફ પડશે.