સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિમાં પ્રવેશ ચાર્જ: 23 વર્ષ બાદ ગરબા રમવા માટે ચૂકવવા પડશે રૂપિયા

નવરાત્રિમાં પ્રવેશ ચાર્જ: 23 વર્ષ બાદ ગરબા રમવા માટે ચૂકવવા પડશે રૂપિયા

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકપ્રિય 'વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ'માં 23 વર્ષ બાદ પહેલીવાર પ્રવેશ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાતાં ખેલૈયાઓ અને મુલાકાતીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમની નવી ટિકિટિંગ વ્યવસ્થા મુજબ, માત્ર પ્રથમ નોરતે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. બીજાથી પાંચમા નોરતા સુધી ખેલૈયાઓ અને દર્શકોએ વ્યક્તિગત ₹100 અને ગ્રૂપ બુકિંગ માટે ₹300થી ₹600 ચૂકવવા પડશે. છઠ્ઠાથી નવમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹250 અને ગ્રૂપ બુકિંગ માટે ₹750થી ₹1500 સુધીની કિંમત ચૂકવવી પડશે. દર વર્ષે આ ગ્રાઉન્ડ પર નિઃશુલ્ક ગરબે રમતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ નિર્ણય ચિંતાજનક છે.

નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ મોટો ચાર્જ નથી, પરંતુ માત્ર સામાન્ય ટોકન દર છે. તેનાથી લોકોની સુવિધા થશે અને ઓનલાઈન બુકિંગથી સીધી સરળ એન્ટ્રી મળશે. આ વ્યવસ્થા હેઠળ દિવ્યાંગજનોને લાવવા-લઈ જવા સહિતની તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમના એમડી ડોક્ટર વિપિન ગર્ગએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પ્રવેશ ફી મામલે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે રેવન્યુ જનરેટ કરવાનો કોઈ ઈરાદો નથી. ભૂતકાળમાં ગ્રાઉન્ડમાં અચાનક લોકોનો ઘસારો થતો અને કેટલા લોકો આવશે તેનો અંદાજ રહેતો નહીં. પ્રવેશ ફી રાખવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી અંદાજ આવશે કે કયા દિવસે કેટલા લોકો આવશે.