સત્ય. સાહસ. સંકલ્પ.

મોંઘવારી અને બેરોજગારી સામે વિશ્વભરમાં વિરોધ: બેલ્જિયમ, ઈટાલી, પોર્ટુગલ, આર્જેન્ટિનામાં લોકો સડક પર

મોંઘવારી અને બેરોજગારી સામે વિશ્વભરમાં વિરોધ: બેલ્જિયમ, ઈટાલી, પોર્ટુગલ, આર્જેન્ટિનામાં લોકો સડક પર

ફ્રાંસ, બેલ્જિયમ, આર્જેન્ટિના, ઈટાલી, પોર્ટુગલ, આલ્બેનિયા, તુર્કી અને અમેરિકા સહિત વિશ્વના 10થી વધુ દેશોમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ ખર્ચ અને વધતા ભાડાં સામે જનઆક્રોશ ભભૂક્યો છે. લોકો સરકારની નીતિઓ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. એક તરફ ફુગાવો આભને આંબી રહ્યો છે અને લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે, તો બીજી તરફ સરકારો જાહેર સેવાઓમાં કાપ મૂકી રહી છે.

બેલ્જિયમમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ ખર્ચમાં કાપ અને મોંઘા ભાડાં સામે વિરોધ કર્યો. બ્રસેલ્સ અને લીજમાં વ્યાપક રમખાણો થતાં પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. બેલ્જિયમના આંતરિક બાબતોના મંત્રીએ દાવો કર્યો હતો કે આ સમાજને અસ્થિર કરવાનું કાવતરું છે.

પોર્ટુગલના લિસ્બનમાં હજારો લોકોએ ઓછા વેતન, રહેણાંક મકાનોની અછત અને વધતા ભાડાં સામે પ્રદર્શન કર્યું. તેમાં ખાસ કરીને ઓછી આવકવાળા પરિવારોના યુવાનો જોડાયા હતા.

ઈટાલીના મિલાનમાં દેખાવકારો પોલીસ સાથે અથડાયા હતા. તેઓ સ્થિર વેતન, ફુગાવો અને જીવનજરૂરિયાતની ચીજોના વધતા ભાવ સામે વિરોધ કરી રહ્યા હતા.

આલ્બેનિયામાં યુનિવર્સિટીઓની ખરાબ હાલત, મોંઘું શિક્ષણ, સરકારી ટેકાની અપૂરતીતા અને રોજગારીની ઘટતી તકો સામે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા છે. રાજધાની તિરાનામાં 13 ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રાલય સામે કરેલા દેખાવો હિંસક બન્યા હતા. વિદ્યાર્થીઓએ મંત્રાલયની ઇમારત પર પથ્થર અને ઈંટો ફેંકી હતી. તેમનો મુખ્ય આક્રોશ બેરોજગારી અને અસમાનતા સામે હતો.

આર્જેન્ટિનાના બ્યુનોસ એરિસમાં વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી સ્ટાફ અને કાર્યકર્તાઓએ રેલીઓ શરૂ કરી છે. તેઓ પ્રમુખ જેવિયર મિલેઈ દ્વારા યુનિવર્સિટી ફંડમાં કરાયેલા કાપનો વિરોધ કરી રહ્યા છે.

તુર્કીના પાટનગર અંકારામાં પેન્શનરો અને મજૂર સંગઠનોએ ફુગાવા અને અપૂરતા પેન્શન સામે બંધારણીય અદાલત સમક્ષ દેખાવ કર્યો હતો. 60 વર્ષના નિવૃત્ત પોલીસ અધિકારી અલી સેકેરોગ્લુએ પોતાની આર્થિક મુશ્કેલીઓ દર્શાવતાં સર્વિસ પિસ્તોલથી પોતાના બે બેરોજગાર પુત્રોને અને પછી પોતાને ગોળી મારી દીધી હતી.