મધ્ય-પૂર્વમાંથી દુનિયાભરમાં ઓઇલ પહોંચાડતા ત્રણ સૌથી મહત્વના માર્ગો પર યુદ્ધ અને આતંકવાદના વાદળો ઘેરાયા છે. આ માર્ગો લાંબા સમય સુધી બંધ રહ્યા તો ભારતના સામાન્ય માણસના ઘરનું બજેટ પણ ખોરવાઈ જશે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થવ્યવસ્થાની આ જટિલ રમતને સરળ શબ્દોમાં સમજીએ.
વિશ્વમાં દરરોજ વપરાતા ઓઇલનો લગભગ 30% હિસ્સો આ ત્રણ માર્ગો પરથી પસાર થાય છે. હાલમાં આ ત્રણેય માર્ગો ગંભીર ખતરામાં છે.
1. હોર્મુઝની સામુદ્રધુની: ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો આ દરિયાઈ રસ્તો વિશ્વના કુલ ઓઇલ સપ્લાયનો 20% હિસ્સો સંભાળે છે. ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે આ માર્ગ દ્વારા થતો ઓઇલ પુરવઠો હાલમાં ખોરવાયેલો છે.
2. સાઉદી અરેબિયાની 'ઈસ્ટ-વેસ્ટ' પાઇપલાઇન: હોર્મુઝના જોખમથી બચવા માટે સાઉદી અરેબિયાએ 1200 કિલોમીટર લાંબી પાઇપલાઇન બનાવી હતી. આ પાઇપલાઇન પૂર્વના ઓઇલ ક્ષેત્રોમાંથી ઓઇલ લઈને પશ્ચિમના 'યાનબુ' બંદર સુધી પહોંચાડે છે. આ માર્ગ દ્વારા રોજના 4થી 5 મિલિયન બેરલ ઓઇલ (વિશ્વના 4%થી 5%)ની નિકાસ થાય છે. પરંતુ, ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલાઓના ડરથી સાઉદી અરેબિયાએ હાલ પૂરતી આ પાઇપલાઇન બંધ કરી દીધી છે.
3. બાબ-અલ-મંદેબ સામુદ્રધુની: આ માર્ગનું નામ અરબી ભાષામાં છે, જેનો અર્થ થાય છે 'ગેટ ઓફ ટીયર્સ' એટલે કે 'આંસુઓનું પ્રવેશદ્વાર'. યમન અને જીબુટી વચ્ચે આવેલો 29 કિલોમીટરની પહોળાઈ ધરાવતો આ જળમાર્ગ લાલ સમુદ્રને અરબી સમુદ્ર સાથે જોડે છે. તેમાંથી વિશ્વનું 5%થી 12% ઓઇલ અને ગેસ (લગભગ 4થી 5 મિલિયન બેરલ દરરોજ) પસાર થાય છે. હાલમાં આ જળમાર્ગ હૂથી વિદ્રોહીઓના નિશાના પર છે.
હૂથી વિદ્રોહીઓ કોણ છે?
યમનમાં 2014થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં 'અંસાર અલ્લાહ' નામનું એક શિયા કટ્ટરપંથી જૂથ સક્રિય છે, જેને દુનિયા હૂથી વિદ્રોહીઓ તરીકે ઓળખે છે. તેમને ઈરાન તરફથી મોટા પાયે આધુનિક હથિયારો, મિસાઇલો અને ડ્રોન પૂરા પાડવામાં આવે છે.
બાબ-અલ-મંદેબ પર હૂથીઓનો કબજો કેમ ખતરનાક છે?
તાજેતરમાં હૂથીઓએ સતત 18 કલાક સુધી અત્યંત આક્રમક સૈન્ય અભિયાન ચલાવીને લાલ સમુદ્રના કિનારે આવેલા 'મોચા' બંદર, 'માયુન' ટાપુ અને 'હનિશ' ટાપુઓ પર કબજો જમાવી દીધો છે. હૂથી નેતાઓએ જાહેરાત કરી છે કે હવે બાબ-અલ-મંદેબ તેમના નિયંત્રણમાં છે. ઈરાન તેમનું સાથી હોવાથી જો ઈરાન ધારે તો હવે હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ એમ બંને મુખ્ય માર્ગો પરથી પસાર થતા વેપારી જહાજો અને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવી શકે છે અથવા તેમને રોકી શકે છે.
જહાજોને આફ્રિકા ખંડનો ચકરાવો લેવો પડશે
જો હૂથીઓ બાબ-અલ-મંદેબમાંથી જહાજોને પસાર ન થવા દે, અથવા જો તેમના હુમલાના ડરથી દરિયાઈ વીમા કંપનીઓ (Marine Insurance) પ્રીમિયમમાં અધધ વધારો કરી દે, તો શિપિંગ કંપનીઓ પાસે માત્ર એક જ વિકલ્પ બચશે - સુએઝ કેનાલ અને લાલ સમુદ્રનો સીધો રસ્તો છોડીને આફ્રિકા ખંડની દક્ષિણે આવેલા 'કેપ ઓફ ગુડ હોપ' વાળો લાંબો રસ્તો પકડવો, જેની સીધી અસર અંતર અને ખર્ચ પર પડશે.
સાઉદી અરેબિયાના યાનબુ બંદરથી જાપાન જવા માટે સામાન્ય રીતે 14,200 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, પરંતુ આફ્રિકા ફરીને જવાથી આ અંતર વધીને 27,000 કિલોમીટરથી વધુ થઈ જાય છે. આનાથી વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે. ભારતની આયાત-નિકાસ પર ગંભીર અસર થશે અને મોંઘવારીનો ભયાવહ ઉછાળો આવશે.