વિશ્વભરમાં યુદ્ધો અને પુરવઠા સાંકળમાં ઊભી થયેલી અડચણોના કારણે સરકારો અને તેલ કંપનીઓએ તેમના ઇમરજન્સી સ્ટોકમાંથી 1 અબજ બેરલથી વધુ તેલ વાપરી નાખ્યું છે. હવે કમર્શિયલ ઇન્વેન્ટરીમાં 6 અબજ બેરલથી ઓછો સ્ટોક બાકી છે.
ચિંતાની વાત એ છે કે બાકી રહેલા સ્ટોકમાંથી ફક્ત 10 ટકા કે તેથી ઓછું તેલ તાત્કાલિક ઉપયોગ માટે ઉપલબ્ધ છે. એટલે કે તેલ બજાર પાસે હવે નવા કોઈ આંચકાને સહન કરવાની ક્ષમતા ઘણી ઓછી રહી છે.
સ્થિતિ સમજવા માટે રોજિંદો વપરાશ જાણવો જરૂરી છે. હાલમાં આખી દુનિયામાં દરરોજ લગભગ 10.3 થી 10.5 કરોડ (103-105 મિલિયન) બેરલ તેલ વપરાય છે. પ્રતિ વ્યક્તિના હિસાબે સરેરાશ 2.5 લિટર તેલ દરરોજ વપરાય છે.
કુલ વપરાશમાં સૌથી મોટો 27 થી 28 ટકા હિસ્સો ડીઝલ અને ગેસ ઓઇલનો છે (રોજનું 28.7 થી 29 મિલિયન બેરલ). ભારે મશીનરી, ટ્રક, માલવાહક જહાજો, ટ્રેક્ટર અને જાહેર પરિવહન ડીઝલ પર ચાલતાં હોવાથી તે આર્થિક ચક્ર ચાલુ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
બીજા ક્રમે પેટ્રોલ આવે છે, જેનો દૈનિક વપરાશ 26.5 થી 27 મિલિયન બેરલ (25 ટકા) છે. ઇલેક્ટ્રિક વાહનો વધ્યાં છતાં તેની વૈશ્વિક માંગ ઊંચી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક, પેકેજિંગ અને કેમિકલ બનાવવા વપરાતા પેટ્રોકેમિકલ ફીડસ્ટોકનો હિસ્સો 14 થી 15 ટકા છે.
વિમાન ક્ષેત્રે વપરાતા જેટ ફ્યુઅલ અને કેરોસીનનો દૈનિક વપરાશ 7.8 થી 8 મિલિયન બેરલ (7.5 ટકા) છે. બાકીનો 25 મિલિયન બેરલનો વપરાશ મોટા દરિયાઈ જહાજો ચલાવવા, ડામરના રસ્તા બનાવવા અને લ્યુબ્રિકન્ટ્સ તરીકે થાય છે.
તેલના વપરાશમાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યાં રોજનું 20.3 થી 20.6 મિલિયન બેરલ તેલ વપરાય છે. બીજા ક્રમે ચીન (16.2 થી 16.4 મિલિયન બેરલ) અને ત્રીજા ક્રમે ભારત છે. ભારતમાં દરરોજ 5.3 થી 5.6 મિલિયન બેરલ, એટલે કે લગભગ 92 કરોડ લિટર તેલ વપરાય છે.
ઇમરજન્સી સ્ટોક ઘટ્યો છે, પણ પૃથ્વી પરનો કુલ તેલ ભંડાર હાલ પૂરતો છે. દુનિયા પાસે 1.57 થી 1.76 ટ્રિલિયન બેરલનો ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. જો આ જ ઝડપે વપરાશ ચાલુ રહેશે, તો આ ભંડાર હજુ 57 વર્ષ સુધી ચાલી શકે તેમ છે.
વેનેઝુએલા પાસે સૌથી વધુ (30,300 કરોડ બેરલ) સ્ટોક છે, પરંતુ ત્યાં તેલ કાઢવું મોંઘું પડે છે. જ્યારે સાઉદી અરેબિયા (26,700 કરોડ બેરલ) પાસે સૌથી સસ્તું તેલ કાઢવાની ક્ષમતા છે. તે ઉપરાંત ઇરાન અને ઇરાક પાસે પણ મોટો સ્ટોક છે. દર વર્ષે 130થી વધુ નવા તેલ ભંડારો શોધાઈ રહ્યા છે.
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. વૈશ્વિક બફર ઘટવાથી તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘાં થવાનો અને મોંઘવારી વધવાનો ભય છે. જોકે ગભરાવાને બદલે ભારતે પોતાના સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ મજબૂત કરવાની અને વૈકલ્પિક ઉપાયો શોધવાની જરૂર છે.