સત્ય. સાહસ. સંકલ્પ.

ઓક્ટોબરમાં વૈશ્વિક શેરબજારમાં મોટો કડાકો: રૂ. 675 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ

ઓક્ટોબરમાં વૈશ્વિક શેરબજારમાં મોટો કડાકો: રૂ. 675 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ

ઓક્ટોબર મહિનામાં વૈશ્વિક શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. વિશ્વભરના રોકાણકારોની આશરે 7.12 ટ્રિલિયન ડોલર (રૂપિયાના વર્તમાન દર મુજબ રૂ. 675 લાખ કરોડ)ની સંપત્તિ ધોવાઈ ગઈ છે. આ નુકસાન જાપાન (4.2 ટ્રિલિયન ડોલર) અને ભારત (3.7 ટ્રિલિયન ડોલર)ના કુલ GDPના સરવાળા કરતાં પણ વધારે છે.

આ ઘટાડાની શરૂઆત અમેરિકાના સિલિકોન વેલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં થયેલા કરેક્શનથી થઈ હતી, જે ઝડપથી સમગ્ર એશિયા અને ઉભરતા બજારોમાં ફેલાઈ ગઈ. વોલ સ્ટ્રીટમાં ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે નાસ્ડેક કમ્પોઝિટ 25,592.48 પર આવી ગયો અને એક જ મહિનામાં ટેક કંપનીઓમાંથી 2.15 ટ્રિલિયન ડોલર સાફ થઈ ગયા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં થઈ રહેલા ભારે ખર્ચ સામે રોકાણકારોને શંકા છે, કારણ કે કંપનીઓની આવકમાં તેનું પ્રતિબિંબ જલદી દેખાતું નથી. આલ્ફાબેટની માર્કેટ કેપમાં 500 બિલિયન ડોલરથી વધુનું ગાબડું પડ્યું, જ્યારે એમેઝોન, મેટા અને ઇન્ટેલમાં પણ વેચવાલી થઈ. અમેરિકન બજારમાં એક જ સેશનમાં 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું.

ચીન અને હોંગકોંગના બજારોમાં પણ ભારે નુકસાન થયું. શાંઘાઈ, શેનઝેન અને હેંગ સેંગ ઇન્ડેક્સમાંથી કુલ 3.10 ટ્રિલિયન ડોલર સાફ થઈ ગયા. ચીનમાં આંતરિક ભાવ-યુદ્ધ અને ડિફ્લેશનને કારણે કંપનીઓના P/E રેશિયો નીચા સ્તરે આવી ગયા, જેના કારણે વિદેશી રોકાણકારોએ ચીની બજારોમાંથી નાણાં પાછા ખેંચી લીધા. ભારે ઉદ્યોગો, ટેકનોલોજી અને બેટરી ઉત્પાદકોને સૌથી વધુ ફટકો પડ્યો.

ભારતમાં પણ રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. BSEની તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી રૂ. 43.2 લાખ કરોડનું ધોવાણ થયું છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની ઐતિહાસિક વેચવાલી, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો અને આઈટી તથા કન્ઝ્યુમર કંપનીઓના નબળા પરિણામો આ ઘટાડા પાછળ મુખ્ય કારણો બન્યા છે.

દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ જૂન મહિનાના શિખરથી 31 ટકા તૂટીને સત્તાવાર રીતે 'બેર માર્કેટ'માં પ્રવેશી ચૂક્યો છે. એક જ દિવસમાં 3.2 ટકાના કડાકા સાથે 108 બિલિયન ડોલર સ્વાહા થયા, જેનાથી મહિનાનું કુલ નુકસાન 380 બિલિયન ડોલર પર પહોંચ્યું. સેમિકન્ડક્ટર કંપનીઓ સેમસંગ અને SK હાયનિક્સ આ નુકસાનના 60 ટકા માટે જવાબદાર રહી.

ઇન્ડોનેશિયામાં એક અઠવાડિયામાં 14.91 ટકા ઘટાડો થયો અને જકાર્તા બોર્ડમાંથી 110 બિલિયન ડોલર ધોવાયા. MSCIના વર્ગીકરણની સમીક્ષા અને ચલણના અવમૂલ્યનને કારણે વિદેશી ડમ્પિંગ થયું, જેના પગલે માર્કેટ-વાઇડ લોઅર સર્કિટ બ્રેકર લાગ્યા અને 800થી વધુ શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા. યુરોપિયન બજારોમાં પણ આશરે 860 બિલિયન ડોલરનું ધોવાણ થયું છે, જે આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ લાવી શકે છે.